અંજારની મુખ્ય જથ્થાબંધ શાક માર્કેટ મુદ્દે સમાધાન

અંજારની મુખ્ય જથ્થાબંધ શાક માર્કેટ મુદ્દે સમાધાન
અંજાર, તા. 7 : કોરોના વાયરસને પગલે અંજારની મુખ્ય જથ્થાબંધ શાક માર્કેટમાં થતી ભારે ભીડના પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મોટા ગ્રાઉન્ડમાં ચાલુ કરાઈ હતી, પરંતુ આ સ્થળે ખુલ્લામાં તાપ વચ્ચે અસુવિધાથી વેપારીઓ, દલાલો, ખેડૂતોને અગવડ થતી હોવાથી ભારે નારાજગી વચ્ચે આજે આ જથ્થાબંધ માર્કેટ ઓકશન અને માલની આવક નહિવત્ જેવી જ થઈ હતી. આ સંદર્ભે પૂર્વ વિભાગના ડે. કલેકટર ડો. વિમલ જોષીના અધ્યક્ષસ્થાને સાંજે યોજાયેલી મિટિંગમાં શાક માર્કેટના વેપારીઓ, સુધરાઈના પ્રમુખ રાજેશ પલણ, એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન સહદેવસિંહ જાડેજા, શામજીભાઈ હીરાણી, તેજસ ઠક્કર તેમજ મામલતદાર એ. બી. મંડોરી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરી મૂળજીભાઈ મ્યાત્રા વિગેરેની હાજરીમાં યોજાયેલી મિટિંગમાં વેપારીઓ, ખેડૂતો અને દલાલોને આ સ્થળે પડતી મુશ્કેલી-અગવડની રજૂઆતો કરાઈ હતી. આ અંગે ડો. વિમલ જોષીએ જણાવેલું હતું કે, સરકારના આદેશ મુજબ જથ્થાબંધ માર્કેટની તમામ કામગીરી આ મુખ્ય યાર્ડમાં જ સરકારની ગાઈડ લાઈન મુજબ સવારે 7થી 12 વચ્ચે કરવાની રહેશે. 14 તારીખ પછી નવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શાકભાજી, ફ્રૂટ આવશ્યક વસ્તુઓમાં આવતા હોવાથી કોઈ પણ સંજોગોમાં માર્કેટ બંધ ન રહે માટે ઓક્શન કે માર્કેટ બંધ રાખવાની રજૂઆતને સ્પષ્ટ ના કરી હતી. કચ્છમાં અંજાર મુખ્ય શાક માર્કેટનું મોટું હબ હોવાથી અહીંથી સમગ્ર ગુજરાત-કચ્છમાંથી શાકભાજી-ફ્રૂટની આવક બાદ સમગ્ર કચ્છ રાજ્યમાં જુદા-જુદા સ્થળે વિતરણ કરાય છે. આ અંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવેલું હતું કે, શાકભાજી, ફ્રૂટના વેપારી, ખેડૂત, દલાલોને કોઈ પણ જાતની અસુવિધા ન પડે તે માટે 10 એકરથી વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા સાથે રૂા. પથી 6 કરોડના ખર્ચે વિશાળ શાક માર્કેટ યાર્ડ તૈયાર કરવાની તેમની ઈચ્છા દર્શાવેલી હતી, પરંતુ યાર્ડ બંધ કરવાથી સમગ્ર?જિલ્લામાંથી આવતો માલ અટકી જતાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડશે અને બજારમાં પ્રજાને મુશ્કેલી પડશે માટે પ્રશાસનની ગાઈડ લાઈન પર હાલના સમયમાં કામગીરી કરવા અને ભવિષ્યમાં અદ્યતન સમગ્ર કચ્છમાં ન હોય તેવું સુવિધા, પાર્કિંગ સહિતનું યાર્ડ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરેલી હતી. આ વિશાળ કાર્યમાં પોતાનું અંગત સ્વાર્થ?વિચારવાને બદલે ખેડૂતો-પ્રજાના હિતમાં કાર્ય?કરી સહયોગી થવા જણાવેલું હતું. વેપારીઓ દ્વારા આજે પોલીસ તંત્ર દ્વારા માર્કેટના વેપારીઓ, મજૂરોને કનડગત કરાતી હોવાની રજૂઆતને પગલે યોગ્ય સૂચના આપવાની ખાતરી અપાઈ હતી. શ્રી જોષીએ સ્પષ્ટ જણાવેલું હતું કે, શાકભાજી, ફ્રૂટ જે પ્રજા માટે ખૂબ જ જીવનજરૂરી વસ્તુ હોઈ આ અંગે શક્ય હશે તેટલી વધુ સુવિધા ઊભી કરાશે, પરંતુ ગિર્દી કે વધુ લોકો ભેગા ન થાય તે પ્રમાણે વિતરણનું તેમજ ઓકશનનું કાર્ય કરવાનું રહેશે. આગામી દિવસોમાં જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે વેપારી, ખેડૂતો, દલાલો અને મુખ્ય યાર્ડના ચેરમેન, સેક્રેટરી, ડાયરેકટર સાથે મળીને કાયમી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer