ગાંધીધામમાં અમુક સોસાયટીઓમાં લોકોએ સ્વયંભૂ બફર ઝોન બનાવ્યો

ગાંધીધામમાં અમુક સોસાયટીઓમાં લોકોએ સ્વયંભૂ બફર ઝોન બનાવ્યો
ગાંધીધામ, તા. 7 : આ સંકુલમાં લોકડાઉનનો અમલ કરાવવા અનેક જગ્યાએ પોલીસ ઊભી છે. આંતરિક વિસ્તારોમાં પોલીસવાન તથા ડ્રોન કેમેરા દ્વારા સર્વે લેન્સ પેટ્રોલિંગ કરાય છે છતાં અમુક લોકો બહાર આવે છે તો સંકુલમાં અમુક સોસાયટીઓ, વિસ્તારોમાં લોકોએ સ્વયંભૂ બફર ઝોન જાહેર કરીને આડશ મૂકી દીધી છે. લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસ ખડેપગે છે. વગર કારણે બહાર નીકળનારાઓ વિરુદ્ધ ગુના પણ નોંધવામાં આવે છે. તો આ સંકુલના અમુક વિસ્તારોના લોકોએ સતર્કતા બતાવી છે અને પોતાના વિસ્તારોને સ્વયંભૂ બફર ઝોન જાહેર કર્યો હોય તેમ જુદી જુદી આડશો રાખી દીધી છે. ગાંધીધામના કાર્ગો જેવા વિસ્તારેમાં લોકોએ બેનર બાંધ્યાં છે અને બહારની કોઇ અજાણી વ્યક્તિએ ન આવવા ચેતવણી આપવામાં આવી છે તો અમુક વિસ્તારોમાં બાંકડાની આડશ ઊભી કરવામાં આવી છે. અમુક બાળકો તથા મોટેરાંઓ દ્વારા ત્યાં બેસી બહારથી આવનારાઓને રોકી દેવામાં આવે છે. આદિપુરના અમુક વિસ્તારોમાં મોટા-મોટા લાકડાં ગોઠવી દઇ લોકડાઉનનાં પાટિયાં મારી દેવામાં આવ્યા છે. અમુક સોસાયટીઓના મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યા છે અને બહારની વ્યક્તિઓ માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. આવા પગલાંથી કામ વગરની બહારની કોઇ વ્યક્તિ સોસાયટીમાં પ્રવેશ કરી શકતી નથી તેવું લોકોએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer