અંજારમાં સેવાપ્રવૃત્તિનો રાજ્યમંત્રીના હસ્તે પ્રારંભ

અંજારમાં સેવાપ્રવૃત્તિનો રાજ્યમંત્રીના હસ્તે પ્રારંભ
અંજાર, તા. 7 : લોકડાઉનને કારણે ઓદ્યોગિક એકમો અને વેપાર-વાણિજય બંધ થતા જનજીવન ઉપર તેની સારી એવી અસર થઈ છે. તેમાંય ખાસ કરીને  શ્રમિકવર્ગની  હાલત  વધુ કફોડી બની છે.આ સંજોગોમાં ભારત વિકાસ પરિષદ અંજાર શાખા દ્વારા વિવિધ સંગઠનો અને દાતાઓના  સહકારથી 740 લાભાર્થીઓને  રાશનકિટ અપાઈ હતી.  શહેરમાં છેલ્લા લાંબા સમયથી વિવિધ સેવાકીય  પ્રવૃતિ  કરતી ભારત વિકાસ પરિષદની અંજાર  શાખા   દ્વારા  જુદા -જુદા  વિસ્તારોમાં રાશનકિટ વિતરણનો  પ્રારંભ રાજયમંત્રી વાસણભાઈ આહીરના હસ્તે થયો હતો. આ વેળાએ  સુધરાઈ પ્રમુખ  રાજેશભાઈ પલણ, શહેર ભાજપ  પ્રમુખ ડેની શાહ, નાયબ કલેકટર ડો.વી.કે. જોષી વગેરે હાજર રહ્યા હતા. 26 માર્ચથી શરૂ થયેલી  આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત  740થી વધુ રાશનકિટનું  વિતરણ  કરવામાં આવ્યું છે. હાલમાં અંજારના શહેરી  અને ગ્રામ્ય વિસ્તારમાં  જરૂરતમંદોના ઘર સુધી રાશન પહોંચાડવા પ્રયત્નો હાથ ધરાયા છે. શહેરના નિરાધાર, અશકત લોકોની સેવા અર્થે છેલ્લા એક વર્ષથી નિ:શુલ્ક ટિફિન સેવા શરૂ કરાઈ છે . હાલના  સંજોગોમાં પણ 43 લાભાર્થીઓને દરરોજ  ટિફિન અપાયા છે. શાખાના કાર્ય માટે સભ્યો ઉપરાંત સોના-ચાંદી બુલિયન એસોસિએશન,અંજાર મોબાઈલ એન્ડ ઈલેકટ્રોનિક એસોસિએશન, અંજાર મેડિકલ એસોસિએશન, અન્ય વેપારી સંગઠન, તબીબ,કોન્ટ્રાકટર સહિતના તરફથી આર્થિક સહકાર સાંપડયો હતો. સાપેડા અને મોડવદર ગામમાંથી  300 કિલો લોટ  શાખાને મળ્યો હતો. આ સંજોગોમાં  ફરજ  અદા કરી રહેલા  આરોગ્ય કર્મચારી, પોલીસ તથા તંત્રના અન્ય કર્મચારીઓ માટે પાણીની વ્યવસ્થા કરી રોગપ્રતિકારક શકિત વધારવા અર્થે ડો. દીપેશ વ્યાસ દ્વારા  તૈયાર હોમીયોપેથિક દવાના ડોઝ અપાયા હતા.ટાઉનહોલ મેદાનમાં હંગામી શાકમાર્કેટની જરૂરી વ્યવસ્થા માટે શાખાના સભ્યોએ યોગદાન આપ્યુ હતું. રાશનકિટ   બનાવવાથી લઈ વિતરણ કરવા માટે શાખાના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મંત્રી પ્રજ્ઞેન પંડયા,ખજાનચી અજીત ગોહિલ, વિરલ ઠકકર, કલ્પેશ ઠકકર સહિતના સભ્યો યોગદાન આપી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer