ગાંધીધામમાં લોકડાઉન નિહાળતા રેન્જ આઈ.જી. : સમાજને નચિંત રહેવા જણાવ્યું

ગાંધીધામમાં લોકડાઉન નિહાળતા રેન્જ આઈ.જી. : સમાજને નચિંત રહેવા જણાવ્યું
ગાંધીધામ, તા. 7 : પોલીસ સમાજની સાથે છે, આગળ છે. સમાજ સુધી કોઈ ભય પહેંચાડવા નહીં દે. પ્રજા પાસે પોલીસને માત્ર સહકારની જ અપેક્ષા છે તેવું કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈ.જી. સુભાષ  ત્રિવેદીએ પૂર્વ કચ્છમાં ગાંધીધામ ખાતે કોરોના વાયરસ અન્વયે કારાયેલા લોકડાઉનની સ્થિતિની સમીક્ષા દરમ્યાન માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.  ગાંધીધામમાં ઓસ્લો સર્કલ ખાતે આવી પહોંચેલા રેન્જ આઈ.જી.એ જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છમાં પોલીસવડા પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ લોકડાઉનનું ચુસ્ત અમલીકરણ થતું હોવાનું જણાવી પૂર્વ કચ્છ પોલીસની પીઠ થાબડી હતી. અહીં કંડલા બંદર કાર્યરત હોવાના કારણે બહારથી આવતા લોકોની અવર-જવર રહે છે તેમ છતાંય હજુ સુધી પૂર્વ કચ્છમાં કોરોના  પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નથી તેનું શ્રેય પોલીસની કામગીરીને તેમણે આપ્યું હતું. ચેકપોસ્ટમાં તપાસ કરીને આવતા લોકોને રોકવા, બીમાર લોકોને આવવાની વ્યવસ્થા ગોઠવવી, દવા-ખોરાક વિના નિ:સહાય બની ગયેલા ગરીબ પરિવારોનો પૂર્વ કચ્છ પોલીસે ખ્યાલ રાખ્યો છે. લોકોને ખોરાક અને રાશન પહોંચાડયા છે. વરિષ્ઠ નાગરિકોના બેન્કનાં કામ પણ પોલીસે કરી આપ્યાં છે. કોરોના વાયરસને નાથવા ઘરમાં જ રહેવું એઁ એક માત્ર ઉપાય હોવાનું જણાવી તેમણે પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી. લોકોને કોઈ પણ તકલીફ હોય તો 100 નંબર ઉપર ફોન કરો, પોલીસ 10 મિનિટમાં જ  તમારા પાસે પહોંચી જશે.  માધાપરમાં  તાજેતરમાં  કોરોના  વાયરસના પોઝિટિવ કેસના કારણે બફર ઝોનની કરાયેલી કામગીરી અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છમાં સંપૂર્ણ લોકડાઉનની  કે બફર ઝોન બનાવવાની પરિસ્થિતિ ન સર્જાય તેવું ઈચ્છીએ. આપણે સમગ્ર ભારતમાં દાખલો બેસાડીએ કે પૂર્વ કચ્છ એ સમજદાર નાગરિકોનો વિસ્તાર છે. રેન્જ આઈ.જી.એ પોલીસ કાફલા સાથે ઓસ્લો સર્કલથી ટોગોર રોડ, જૂની કોર્ટ, ભાઈપ્રતાપ સર્કલ, ઝંડા ચોક,  મુખ્ય બજાર, ચાવલા ચોક તેમજ શહેરના આંતરિક  વિસ્તારમાં પગે ચાલીને લોકડાઉનની પરિસ્થિતિ નિહાળી હતી.  આ દરમ્યાન પોલીસવડા પરીક્ષિતા રાઠોડ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ સાથે જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer