ઘરે બેઠે સ્પર્ધાઓ યોજી મહાવીર જયંતીની અનોખી ઉજવણી

ઘરે બેઠે  સ્પર્ધાઓ યોજી મહાવીર જયંતીની અનોખી ઉજવણી
ગાંધીધામ, તા. 7 : વિશ્વને અહિંસાનો મહત્ત્વનો ઉપદેશ આપનારા મહાવીર સ્વામીના જન્મોત્સવ મહાવીર જયંતીની અહીંના જૈન સોશિયલ ગ્રુપ દ્વારા લોકડાઉનનો ભંગ ન થાય તે રીતે ઘરે બેઠાં વિવિધ સ્પર્ધા યોજીને અનોખી ઉજવણી કરાઈ હતી. વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે અને ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે જૈન સોશિયલ ગ્રુપે મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ ઊજવવા રંગોળી, ભજન, ચિત્ર, સેલ્ફી, આરતી થાળી શણગાર, મહાવીર આરતી ઓડિયો પ્રતિયોગિતાનું તમામ માટે ઘરે બેઠાં આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયાને માધ્યમ બનાવીને આ આયોજન પાર પડાયું હતું. સમાજના લોકોને કોઈએ બહાર નહીં નીકળવા અનુરોધ કર્યો હતો. તમામ પ્રતિયોગીઓએ પોતપોતાની કૃતિ વ્હોટ્સએપના માધ્યમથી ગ્રુપમાં મૂકી હતી, જેના આધારે પ્રથમ પાંચ જણને પુરસ્કાર અપાયા હતા. જૈન સોશિયલ ગ્રુપ લોકડાઉનમાં શરૂઆતથી જ દરરોજ 200થી વધુ ફૂડ પેકેટનું દૈનિક વિતરણ કરે છે. આ ઉપરાંત તબીબો, પોલીસ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ વગેરે માટે 1000 ફ્રૂટકિટ, છાશનું પણ વિતરણ કરે છે. 2000 ગાયને ચારો, કૂતરાને બિસ્કિટ, પક્ષી માટે ચણની વ્યવસ્થા પણ કરે છે. જન્મ કલ્યાણક ઉજવણીમાં સંસ્થાના પ્રમુખ મુકેશ પારેખ, મંત્રી અમિત જૈન, અન્ય આગેવાનો ડો. ચેતન વોરા, શૈલેન્દ્ર જૈન, મિનેશ શાહ, કિરણ વોરા, જિતેન્દ્ર સંઘવી, બકુલ વોરા, સંદીપ બાગરેચા વગેરેએ સહયોગ આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer