પશ્ચિમ કચ્છમાં એક જ દિનમાં જાહેરનામા ભંગના 129 ગુના : પૂર્વ કચ્છમાં 55 ગુના દાખલ કરાયા

ભુજ/ગાંધીધામ, તા. 7 : ઘરબંધી સબંધી કાયદાની અમલવારી માટેની કાર્યવાહી હવે કાયદાના રક્ષકોએ અત્યંત કડક બનાવી નાખી હોય તેમ આજે મંગળવારે એક જ દિવસમાં પશ્ચિમ કચ્છમાં 129 અને પૂર્વ કચ્છમાં 55 ગુના જાહેરનામાં ભંગ બદલ દાખલ કરાયા હતા. સાથેસાથે નાના-મોટા 357 વાહન પણ આ બન્ને પોલીસ જિલ્લામાં ડિટેઇન કરાયાં હતાં.પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા પાસેથી મળેલી માહિતી અનુસાર આજે જુદાજુદા 129 ગુના જાહેરનામાનો ભંગ કરનારા સામે દાખલ કરીને સપાટો બોલાવી દેવાયો હતો. જાહેરમાં કારણ વગર ફરનારા કે ટોળે વળીને ટોળટપ્પા મારનારાને આ કાર્યવાહી તળે કાયદાની ઝપટે લેવાયા હતા. ડ્રોનની મદદથી પણ નિયમનો ભંગ કરનારને પકડી તેમની સામે  કાયદાકીય કાર્યવાહી કરાઇ હતી.બીજી બાજુ અમલવારી અંતર્ગત આજે નાના-મોટા 90 વાહન પણ ડિટેઇન કરીને સબંધિતોને પાવતી પકડાવી દેવાઇ હતી. લોકડાઉનમાં એટલા વાહનો ડિટેઇન થઇ ચૂકયાં છે કે એ અને બી બન્ને ડિવિઝન પોલીસ મથકમાં વાહનો રાખવાની જગ્યા ન રહેતાં હવે ડિટેઇન વાહનો ખારસરા મેદાન ખાતે જમા કરાવાઇ રહ્યા છે. કોરોના વાયરસ સંદર્ભે દેશભરમાં જારી કરાયેલા લોકડાઉનનો ભંગ કરનારા શખ્સો સામે પૂર્વ કચ્છ પોલીસે   વધુ સખતાઈથી  કામ લીધું હતું. આજે સેંકડો આરોપીઓ સામે પોલીસે કાયદાનું શત્ર  અજમાવ્યું હતું.પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે જિલ્લા કલેક્ટર દ્વારા બપોરે 12 વાગ્યા પછી વાહનો ઉપર પ્રતિબંધ જાહેર કર્યા બાદ આજે   પોલીસે  કારણ વિના ફરતા લોકો સામે વધુ સખતાઈ દાખવી હતી. વિવિધ પોલીસ મથકોમાં 55 જેટલા ગુના  દાખલ કરી 166 આરોપીઓને પાંજરે પૂર્યા હતા અને ડ્રોન કેમેરા મારફતે વોચ રાખી છ ગુના નોંધવામાં આવ્યા હતા, અને 21 શખ્સને પાંજરે પૂર્યા હતા. બપોરે 12 વાગ્યા બાદ વાહન લઈને નીકળેલા શખ્સો સામે પણ પોલીસે કડક રૂખ અપનાવી લોકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. 267 વાહનો ડિટેઈન કરી રૂા. 70,500ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer