બ્રિટનમાં કોરોનાએ 10થી વધુ કચ્છીનો ભોગ લીધાની આશંકા

વસંત પટેલ દ્વારા- કેરા (તા. ભુજ), તા. 7 : કચ્છીઓના બ્રિટિશ હિજરતી ઈતિહાસમાં ક્યારેય ન ઊભી થઈ હોય તેવી વસમી સ્થિતિનો સામનો કરતા કચ્છીઓમાં સન્નાટો પ્રસરી ગયો છે. આગેવાનોએ દબાતા સૂરે કોરોનાએ 10થી વધુ કચ્છીઓને ભરખ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. અલબત્ત આ આંકની પુષ્ટિ થઈ શકે તેમ નથી. વધુ પડતું સંક્રમણ ડાયાલિસીસ,અન્ય હોસ્પિટલ કે નર્સિંગ હોમમાંથી થતું હોવાની ચર્ચા છે. બ્રિટનના પ્રાઈવેસી કાયદાના કારણે રાષ્ટ્રીય આરોગ્ય વિભાગ (એન.એચ.એસ.) દ્વારા મૃતકોની યાદી બહાર પડાતી નથી. મૂળ કેરાની લંડનમાં પ્રેક્ટિસ કરતી વાસંતી ગામીએ વિગતો મૂકતાં કહ્યું, નામ જાણવા શક્ય નથી. દરમ્યાન વિલ્સડન સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ કુંવરજી અરજણ કેરાઈના કહ્યા મુજબ છેલ્લા સપ્તાહમાં અવસાન પામેલા કચ્છીઓમાં કોરોનાનો ડંખ હોવાની આશંકા સેવાઈ રહી છે અલબત્ત મૃત્યુ પામેલા અગાઉથી બીમાર હતા અને સરેરાશ વય 65થી 80 છે. નારાણપરના યુવાન, કેરાના મહિલા ઉપરાંત મિરજાપરના આધેડે થોડા દિવસ પહેલાં કોરોનાના કારણે દમ તોડયો હોવાની પુષ્ટિ એમના પરિજનોએ કરી હતી. લંડનથી કચ્છી દાતા અગ્રણી કુંવરજી દેવરાજ વેકરિયાએ કચ્છમિત્રને જણાવ્યું, પરિસ્થિતિ કાબૂ બહાર છે. ચિંતા છે, પણ સંખ્યા કેટલી છે તે કહી શકાય નહીં. દરમ્યાન વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ 50થી 60 જેટલા કચ્છીઓ સંક્રમિત છે. તેમાંથી 15થી ઉપર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બળદિયાના અગ્રણી અને વિલ્સડન મંદિરના ટ્રસ્ટી કે. કે. જેસાણી કહે છે કે, હાલ અહીં ફ્લુની સિઝન છે એટલે સામાન્ય કરતાં વધુ સંખ્યામાં લોકો બીમાર છે. દરમ્યાન મૂળ ગુજરાતી અને વેલ્સની યુનિવર્સિટી હોસ્પિટલમાં કાર્ડિયો સર્જન ડો. જિતેન્દ્ર રાઠોડ (ઉ.વ. 58)ને કોરોના ભરખી ગયો હતો.આમ બ્રિટનમાં આઠ તબીબ ભોગ બની ચૂક્યા છે અને સંખ્યાબંધ નર્સો સંક્રમિત થઈ છે. દરમ્યાન કચ્છમિત્રે બ્રિટનમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનારની યાદી મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનીય કાયદા પ્રમાણે એ શક્ય બન્યું ન હતું, પરંતુ મૃતકોના નજીકના પરિજનોએ બિનસત્તાવારમરણના કારણની પુષ્ટિ કરી હતી. કચ્છ સંલગ્ન મંદિરોમાં અવસાન પામનારની યાદી સામાન્ય દિવસોમાં પણ લગાવાતી રહી છે. બ્રિટનવાસી સંબંધીઓની મુશ્કેલીના કારણે કચ્છમાં વસતા પરિવારોમાં પણ ઉચાટ પ્રવર્તી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ વેલ્સ (કાર્ડિફ)માં ચાર હજાર જેટલા કેસ છે. ત્યાં કચ્છીઓ વસે છે. - બ્રિટિશ કચ્છી કહે છે, મોદીનો નિર્ણય યોગ્ય રહેતે સમય લોકડાઉનનો ચુસ્ત નિર્ણય કરવામાં ભારત બ્રિટનથી આગળ છે, અમે ગફલતનો ભોગ બન્યા છીએ... આવી લાગણી બ્રિટિશ કચ્છીઓમાં ચોમેર સંભળાઈ રહી છે. વડાપ્રધાન મોદીના નિર્ણયની સરાહના અને તબલીગી જમાતના વલણ પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે. દરમ્યાન ભુજ સ્વામિનારાયણ મંદિર અને કચ્છી લેવા પટેલ સમાજે બ્રિટનના કચ્છીઓ પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે અને મુશ્કેલીની આ ઘડીમાં સૌ સાથે હોવાની વાત કરી છે તેમજ લોકડાઉનનો ચુસ્ત અમલ અને ઘરમાં રહેવા ભલામણ કરી છે. ભુજ મંદિરે વિશેષ પ્રાર્થના-આરતી-પૂજન યોજી નિરામયતા પ્રાર્થી હોવાનું કોઠારી સ્વામી શાત્રી દેવપ્રકાશદાસજીએ કહ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer