12થી વધુ જાહેરનામા છતાં અસર..?

ભુજ, તા. 7 : વૈશ્વિક મહામારી કોરોનાએ ભારતમાં ફફડાટ ફેલાવી દીધો છે. કચ્છમાં પણ બે પોઝિટિવ કેસ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે ત્યારે વડાપ્રધાનની અપીલ બાદ જનતા કર્ફ્યુ બહાર પડાયો ત્યારથી લઈ અત્યાર સુધીના સમયગાળામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અલગ-અલગ 12 જેટલા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે આ તમામ જાહેરનામાની અતિ ચુસ્ત ગણાય તેવી અમલવારી સંભવત: પ્રથમવાર થયેલી જોવા મળી છે એ પણ એક આવકારદાયક બાબત હોવાનો મત જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.  21 માર્ચથી લઈ અત્યાર સુધીના સમયગાળામાં લોકડાઉન જારી કરવા, 144ની કલમ લાગુ કરવા, સંસ્થાઓને રાહત સામગ્રી તંત્ર મારફત પહોંચાડવા, લોકડાઉનના ચુસ્ત અમલ માટે શહેરી વિસ્તારમાં નિયત સમયમાં નિયંત્રણ વચ્ચે ટુવ્હીલર-ફોરવ્હીલર આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે બહાર નીકળવા, પરપ્રાંતીય શ્રમજીવીઓને જિલ્લા બહાર સ્થળાંતર ન કરવા, ઔદ્યોગિક એકમોને વિશેષ તકેદારી કેળવવા માટે, પહેલા પોઝિટિવ કેસ બાદ આવશ્યક તકેદારીનાં પગલાં ભરવા અને માધાપરમાં પોઝિટિવ કેસ નોંધાયા બાદ ત્રણ કિ.મી.ના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરવા સહિતની બાબતને આવરી લેતા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. આમ તો કલેક્ટરકક્ષાએથી સમયાંતરે અનેક જાહેરનામા બહાર પાડવામાં આવતા હોય છે પણ તેની અમલવારી કાગળ પર જ થતી હોવાનું એકથી વધુવાર પ્રતિપાદિત થતું જોવા મળ્યું છે. આ વખતે કોરોનાની મહામારીના પગલે લોકડાઉન સહિતના પ્રતિબંધાત્મક આદેશ માટે જે જાહેરનામા બહાર પડાયા છે તેની ચુસ્ત અમલવારી તંત્રની અગ્રીમ પ્રાથમિક્તા હોવાનું દેખાઈ રહ્યું છે. આ જ કારણોસર આ વખતે જાહેરનામાની કડક અમલવારી સાથે તેનો ભંગ કરનારા સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યાં છે. કોરોનાની મહામારીએ અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં કેન્દ્ર-રાજ્ય સરકારની કડક સૂચના વચ્ચે જિલ્લા તંત્ર પણ જે જાહેરનામા બહાર પડાયા તેની અતિ ચુસ્ત ગણાય તેટલી અમલવારી કરવા માટે સુસજ્જ બની ગયું તે સહજ-સ્વાભાવિક છે. જાગૃત નાગરિકોએ આ બાબતે જણાવ્યું કે, આ તમામ અમલી જાહેરનામાની કડક અમલવારી થાય તે ચોક્કસથી સારી બાબત છે અને હજીયે તેમાં કોઈ પણ પ્રકારની ઢીલ ન દેવાનો અનુરોધ કરી જો ઢીલ દેવાશે તો કોરોનાની મહામારી વકરી શકે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer