પોર્ટ અને રાજ્ય પ્રશાસન વચ્ચે ટકરાવ ટાળવા રાજ્ય મંત્રાલયનો નવો આદેશ

ગાંધીધામ, તા. 7 : કોરોના વાયરસનું સંમક્રણ અટકાવવા 14મી એપ્રિલ સુધી સમગ્ર રાષ્ટ્ર લોકડાઉન કરાયું છે ત્યારે કેન્દ્ર સરકારે મહાબંદરોને આવશ્યક સેવાના ક્ષેત્રમાં મૂકીને તેનું સંચાલન યથાવત્ રાખ્યું છે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓ વચ્ચે બંદર ગતિવિધિને લઈને ટકરાવની સ્થિતિ સર્જાતી હોવાથી હવે રાજ્યના બંદર તથા પરિવહન મંત્રાલયે નવો આદેશ બહાર પાડીને લોકડાઉન વચ્ચે મંજૂરીની સત્તા બંદર પ્રશાસનને આપી દીધી છે. બંદર અને પરિવહન મંત્રાલયના નાયબ સચિવ પ્રકાશ મજુમદારે તમામ જિલ્લા કલેકટર તથા તમામ પોલીસ કમિશનરને આ આદેશ આપતાં જણાવ્યું છે કે, રેલવે, એરપોર્ટ તથા દરિયાઈ બંદરો ઉપર માલસામાનની હેરફેર અર્થે જરૂરી સ્ટાફ કે કોન્ટ્રેક્ચ્યુઅલ લેબર માટે પાસ  આપવા બંદર સત્તાવાળાઓને અધિકૃત કરવામાં આવે છે.બંદર સત્તાવાળાઓ તથા તેને સંલગ્ન કસ્ટમ, આઈસીડી, સીએફએસ, શિપિંગ લાઈન્સ, સ્ટીવીડોર્સને આ લોકડાઉન દરમ્યાનના પાસ ઈશ્યૂ કરવાની સત્તા છે.રાજ્ય સરકારના તમામ ઓનફીલ્ડ ઓફિસરોને જાણ કરવા આદેશમાં જણાવાયું છે. અત્રે એ નોંધવું જરૂરી છે કે, બંદર ગતિવિધિ ચાલુ રહેતાં મજૂરોને બંદર ઉપર લાવવા-લઈ જવા અંગે પ્રજામાંથી અવાજ ઊઠયો હતો અને એક તબક્કે રાજ્ય સરકારે પણ તે સામે 11થી 5ના આદેશ કાઢયા હતા. ત્યારબાદ તમામ મજૂરો માટે જરૂરી પાસ મામલતદારમાંથી કઢાવવા ડીપીટીને વ્યવસ્થા ગોઠવવી પડી હતી, જેમાં વિલંબ થતો હોવાની ફરિયાદ પણ હતી. આજે બપોરથી દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે સચિવ વેણુગોપાલ તથા જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીને આ માટે અધિકૃત કર્યા હોવાનું જાણવા મળ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer