કચ્છમાં હોમગાર્ડના કર્મચારીઓ છેલ્લા ત્રણ માસથી પગારથી વંચિત

ભુજ, તા. 7 : વૈશ્વિક મહામારી કોરોનાના પગલે દેશભરમાં લોકડાઉન છે ત્યારે તેની કડક અમલવારી માટે પોલીસ તેમજ અન્ય સુરક્ષા કર્મચારીઓ સાથે ખભેખભા મિલાવી કામ કરતા હોમગાર્ડના કર્મચારીઓનો છેલ્લા ત્રણ માસથી પગારનું ચૂકવણું ન થતાં આવા જવાનો મુશ્કેલીમાં મુકાયા છે. વિવિધ પર્વો, મેળા, ઉત્સવો તેમજ પેટ્રોલિંગ માટે કાર્યરત હોમગાર્ડના કર્મચારીઓને નિયમિત પગાર ન મળતા હોવાના કિસ્સા છાસવારે સામે આવતા જ હોય છે, પરંતુ હાલ સાંપ્રત પરિસ્થિતિમાં ત્રણ માસથી પગાર ન મળતાં હોમગાર્ડના જવાનો આર્થિક ભીંસમાં મુકાયા છે. સામાન્ય રીતે 31 માર્ચ વાર્ષિક હિસાબના પગલે સરકારી ગ્રાન્ટ છૂટી થતી હોવાથી પગાર થઈ જતો હોય છે, પરંતુ હાલ લોકડાઉનના પગલે વાર્ષિક હિસાબની તારીખ પણ લંબાતાં આવા કર્મચારીઓને પગારથી વંચિત રહી જતાં પડયા પર પાટું સમાનની સ્થિતિમાં મુકાયા છે. આમ સરકારી વહીવટીતંત્ર આ અંગે ત્વરિત પગલાં લઈ પગારથી વંચિત હોમગાર્ડ કર્મચારીઓને વહેલી તકે પગાર મળે તેવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે. આ સમગ્ર બાબતે હેડ ક્લાર્કનો સંપર્ક સાધતાં તેમનો ફોન સતત નો-રિપ્લાય મળતાં વધુ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer