ભચાઉ પોલીસે એક યુવાનનો 19 વર્ષ બાદ તેના પરિવારજનો સાથે મેળાપ કરાવ્યો
ગાંધીધામ, તા.7 : ભચાઉ પોલીસે એક યુવાનનો 19 વર્ષ બાદ તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો. લોકડાઉનનું અમલીકરણ કરાવવા ભચાઉ પોલીસ કબરાઉ ગામે પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન એક શંકાસ્પદ શખ્સ જણાતાં તેને પોલીસ મથકે લઈ જવાયો હતો. તેનું નામ મનિયો ઉર્ફે મનજી હમીર ચૌધરી હોવાનું અને તે જોરાવરગઢ, સુઈ ગામ બનાસકાંઠાનો હોવાનું બહાર આવ્યું હતું તથા 19 વર્ષ પહેલાં તે માનસિક સંતુલન ગુમાવી દેતાં ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી આ યુવાનને તેને સોંપાયો હતો. આ વેળાએ તેના પરિવારજનોમાં હર્ષના આંસુ વહી નીકળ્યા હતા. પી.આઈ. એમ.એચ. જેતપરિયા વગેરે આ કામગીરીમાં જોડાયા હતા.