ભુજમાં શેરીફેરિયાના પાસમાં વિસંગતતા

ભુજ, તા. 7 : વર્તમાન લોકડાઉનની સ્થિતિમાં વિવિધ ચીજવસ્તુઓના વિક્રેતાઓ માટે કોઈ પણ પ્રકારના વેપાર માટે પાસ મેળવવા ફરજિયાત બનાવાયા છે, પરંતુ હકીકતમાં કેટલાક શેરીફેરિયાઓને પાસ ફાળવવામાં ન આવતાં તેમને રોજગારીના પ્રશ્નો સર્જાયા હોવાની ભુજ શેરીફેરિયા સંગઠને રજૂઆત કરી છે. સંગઠનના ઉપપ્રમુખ મયૂર ગોરે જણાવ્યું હતું કે, સરકારી માર્ગદર્શિકા મુજબ રાશન, ખાદ્ય સામગ્રી, દવાઓ, ફળ-શાકભાજી, ડેરી ઉત્પાદન, પશુચારા સહિતની કેટલીક આવશ્યક ચીજવસ્તુઓને મુક્તિ અપાઈ છે. છતાં તેના પાસ મેળવવાની પ્રક્રિયા શા માટે ફરજિયાત બનાવાઈ છે ? એક તરફ રોજગારી છીનવાઈ રહી છે બીજી બાજુ પાસ લેવા વિવિધ કચેરીના ધક્કાથી હાલાકી વધી છે. વધુમાં પાસ ફાળવવાની પ્રક્રિયામાં ભેદભાવ અથવા એકરૂપતા ન હોવાના કિસ્સા બહાર આવ્યા છે. ભીડ નાકા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી શાકભાજી વેચતી મહિલાને પાસ નહીં મળતાં સાત સભ્યોનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. આ અંગે સંગઠને કલેકટરને પત્ર લખીને તેમાં શાકભાજીના ફેરિયાઓને પાસ ફાળવવા તથા નગરપાલિકાની નોંધણી ધરાવતા વેપારીઓને તેમના ઓળખપત્રને પાસની માન્યતા અપાય તેવી માંગ કરાઈ છે. કેટલાક કિસ્સા વર્ણવતા એવી રજૂઆત કરાઈ કે કાંતાબેન ચંદુભાઈ વઢિયારા વિધવા છે, દાદુપીર રોડ પર રહે છે. તેની પાસે શેરીફેરિયા પાસ છે પણ વેપારીનો નથી તો રાધાબેન વઢિયારાને 22મી તારીખથી વાણિયાવાડમાં શાકભાજી વેચવાની ના પડાઈ છે જ્યારે ખભુભાઈ કુંભાર અને તેનાભાઈ ડુંગળી બટેટાં વેચી નવ જણનો પરિવાર નિભાવે છે, પરંતુ તેમને તો શેરીફેરિયાનું પણ કાર્ડ?નથી મળ્યું કે નથી મજૂરીકામ મળતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer