ત્રણ કિમીની સોસાયટીઓએ પહેલીવાર આરોગ્યતંત્રની ટીમોને કામ કરતા જોઈ !

ભુજ, તા. 7 : રાજાશાહી વખતે કચ્છમાં એક ખૂબજ નિષ્ઠાવાન અને કડક પોલીસ અધિકારી થઈ ગયા, નામ હતું `મોકાજી ફોઈધાર'. ગુનેગાર પકડાય અને છૂટીને મિત્રવર્તુળમાં જાય એટલે કહેતો, `માર ભલે ખાધો પણ મોકાજી ફોઈધાર ત દઠો' અર્થાત ભલે માર પડયો પણ એ બહાને ફોજદાર જોવા મળ્યા... માધાપર સંલગ્ન અને એક કોરોના પોઝિટિવ કેસ આવતાં ત્રણ કિમીની ત્રિજ્યામાં લોક થયેલો વિસ્તાર આજે કટાક્ષમાં કહે છે કે, `કોરોના આયો તો આરોગ્ય કર્મચારી તો દીઠા'.ચીનથી શરૂ થયેલા અને માર્ચના બીજા સપ્તાહથી ભારતને પણ ભયભીત કરી દેનારા કોવિડ-19 કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા કચ્છભરના ઘરોઘરની મુલાકાત લઈને આરોગ્ય તંત્રએ જાહેર કર્યું હતું કે, આટલા લાખ લોકોની તપાસ થઈ ગઈ, ક્યાંયે કોઈ ચિંતાજનક નથી, પણ આજે જ્યારે દુનિયામાં ત્રીજા તબક્કાના ગંભીર સ્ટેજ ગણાતા `કોમ્યુનિટી બેઝ' સંક્રમણમાંથી માધાપરનો કેસ સામે આવ્યો છે અને અડધા ભુજ જેટલી વસ્તી જેમાં સમાવિષ્ટ છે એ ત્રણ કિમીની ત્રિજ્યાવાળા પૂછે છે કે, ક્યારે આરોગ્યકર્મીઓ આવ્યા? સર્વે થયો? અમે તો આજે પહેલીવાર આરોગ્યતંત્રને અમારી સોસાયટીમાં જોઈ રહ્યા છીએ. માધાપરમાંથી ગંભીર પ્રકારનાં સંક્રમણ સાથે મળેલા કેસએ કચ્છના આરોગ્યતંત્રની પોલ ખોલી નાખી છે. દંભ અને કામચોરીનાં કપડાં ઉતારી નાખ્યાં છે. આજ સુધી એક પણ આંગણવાડી વર્કર, એક પણ આરોગ્ય કર્મચારી માધાપર જૂનાવાસ-નવાવાસ અને ભુજના 11 નંબરના વોર્ડમાં સમાવિષ્ટ હીરાણીનગર, હિલવ્યૂ, યોગેશ્વરધામ, શિવમપાર્ક, શ્રીજીનગર, આરટીઓ રિલોકેશન સાઈટ ભાગ-1 અને 2, સોમૈયાનગર, સોનાલી પાર્ક અને નાના યક્ષ મંદિર સંકુલને ઘેરીને આવેલી સોસાયટીઓમાં દેખાયા નથી. જો ખરેખર તે વખતે શરદી-તાવ-ખાંસી, ગળામાં દુ:ખાવો છે કે નહીં એ તપાસ નિષ્ઠાપૂર્વક થઈ હોત તો આ વૈશ્વિક મહામારીના ચેપ લઈને ફરતી અજ્ઞાત વ્યક્તિ પાધરી પડી ગઈ હોત અને કોરોના પોઝિટિવ આવત જ નહીં, પણ આ તો સરકારી તંત્ર છે, ચલતા હૈ... આગે સે ચલી આતી હૈ... ચલતા રહેગા... એ સ્પષ્ટ થઈ ગયાનું જાગૃતો કહે છે. માધાપરના આ એક કોરોના પોઝિટિવ કેસને પગલે ભુજના વોર્ડનં 11ના નગરસેવકોની પોતાના વોર્ડ પ્રત્યેની સેવા-ફરજ અને નિષ્ઠાનું પણ કેટલી હદે ધોવાણ થઈ ગયું છે તે સાબિત કરી આપ્યું છે. જો એક પણ નગરસેવક સરકારની હામાં હા મિલાવીને અવાજ ઉઠાવત અને સર્વે કરાવત તો હજારો પરિવારમાં હાલ જે ફડકો પડયો છે તે ન હોત! ત્રણ કિમીનો વિસ્તાર સીલ થઈ ગયો અને કલાકોમાં જ આરોગ્યટીમો ઘેર-ઘેર-સોસાયટીઓમાં સર્વે કરતી દેખાઈ એ મુદ્દે ધ્યાન દોરતાં જાગૃતો કહે છે કે, લશ્કરી મથકનો મોટો ભાગ ખુદ આર્મીની જ આખેઆખી હોસ્પિટલ આ ત્રણ કિમીની ત્રિજ્યામાં સમાવિષ્ટ થઈ જતાં ફોજના રક્ષણ તથા જાગૃતિ થકી રાજ્ય સરકારની આરોગ્ય ટીમો ઊતરી પડી છે. જો કેન્ટોન્મેન્ટ એરિયા ન હોત તો હજુ આજેય પણ હવામાં, કાગળ પર કે મનઘડંત આરોગ્ય સર્વે થાત. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer