ભારાપરમાં રમતાં-રમતાં પાણી ભરેલી ડોલમાં પડી ગયેલા માસૂમ બાળકનું મોત

ભુજ, તા. 7 : તાલુકાના ભારાપર ગામે રમતાં રમતાં પાણી ભરેલી ડોલમાં પડી ગયેલા ત્રણ વર્ષની વયના સાગર ગોપાલ નાયકનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. પોલીસે આપેલી માહિતી મુજબ ભારાપર ખાતે ગત તા. 31મી માર્ચના સાંજે આદિવાસી ખેતમજૂર પરિવારનો સાગર નાયક રમતાં રમતાં પાણીની ડોલમાં પડી ગયો હતો. ભુજથી વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેણે દમ તોડયો હતો. માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભદ્રેશ્વરમાં પ્રૌઢનું અપમૃત્યુ  બીજી બાજુ મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે મૂળ અમદાવાદના વતની શંકર આલજી શીંગાળા (ઉ.વ. 51) નામના વાલ્મીકિ પ્રૌઢનું શ્વાસની તકલીફ ઊભી થતાં ઊલટી થયા બાદ મૃત્યુ થયું હતું. આ પ્રૌઢ છેલ્લા છ મહિનાથી શ્વાસની તકલીફ ભોગવી રહ્યા હતા, તેમ પોલીસ સમક્ષ લખાવાયું છે. સફાઇ કામદારનું અપમૃત્યુ  દરમ્યાન ભુજ ખાતે પ્રમુખ સ્વામી નગર વિસ્તારમાં અચાનક ચક્કર આવતાં પડી જવાથી 41 વર્ષની વયના વીરુ દિલીપ રીતનો જીવનદીપ બુઝાયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ હતભાગી સફાઇકામમાં રોકાયેલો હતો ત્યારે આ ઘટના બની હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer