કોઈને કાંઈ મુંબઈ મૂકવું છે, તો રેલવેને કહેજો

ગાંધીધામ, તા. 7 : કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં ત્રણ સપ્તાહના લોકડાઉન અંતર્ગત પ્રવાસી ટ્રેનનાં પૈડાં થંભી ગયાં છે. પરંતુ દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવા માટે રેલવે દ્વારા માલવાહક  ટ્રેનોની  મૂવમેન્ટ જારી રાખાઈ છે. આ અભિયાનને આગળ વધારવા માટે પશ્ચિમ રેલવે દ્વારા  વિવિધ સ્થળે પાર્સલ ટ્રેન દોડાવવામાં આવશે. જેમાં કચ્છથી મુંબઈ વચ્ચે પણ એક પાર્સલ ટ્રેનની છ ટ્રીપ દોડાવવામાં આવશે. લોકડાઉનના કારણે તમામ નાના-મોટા ઉદ્યોગો ઠપ થઈ ગયા છે, ત્યારે રેલવે મારફત નાની-મોટી તમામ કોમોડિટી કે જે કચ્છથી મુંબઈ વચ્ચે  મોકલવામાં આવે છે તેનાં પરિવહન માટે રેલવે પ્રશાસન દ્વારા ભુજ અને દાદર વચ્ચે પાર્સલ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે  ભુજથી દાદર વચ્ચે ચાર અને દાદરથી ભુજ વચ્ચે બે પાર્સલ ટ્રેન દોડાવાશે. ભુજથી તા. 9 એપ્રિલ, 10 એપ્રિલ,13 એપ્રિલ અને 14 એપ્રિલના ટ્રેન દોડાવાશે અને દાદરથી તા. 11 એપ્રિલ અને 12 એપ્રિલના ટ્રેન દોડાવાશે. આ પાર્સલ ટ્રેન ભુજથી બપોરે 2.45 વાગ્યે રવાના થઈ બીજા દિવસે સવારે 5.45 વાગ્યે દાદર પહોચશે અને દાદરથી સાંજે 5.40 વાગ્યે રવાના થઈ  બીજા દિવસે સવારે 8.45 વાગ્યે ભુજ પહોંચશે. બન્ને દિશાઓમાં આ પાર્સલ  ટ્રેન ગાંધીધામ, સામખિયાળી, ધ્રાંગધ્રા, વીરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, સહિતનાં સ્ટેશનોએ રોકાશે. પાર્સલ બુકિંગ જે-તે સ્ટેશનોએ કરાવી શકાશે.  ઉદ્યોગકારોએ આ સેવાનો લાભ લેવા રેલવે પ્રશાસન દ્વારા અનુરોધ કરાયો છે. આ ટ્રેનમાં પાંચ પાર્સલ રેક હશે. જો બુકિંગ વધ્યું તો રેકમાં વધારો પણ થઈ શકશે, તેવું એરિયા રેલવે મેનેજર આદિશ પઠાનિયાએ જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે સૂનકાર ભાસતા રેલવે સ્ટેશનો  હવે પાર્સલ ટ્રેનની અવરજવરથી ધમધમતા થશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer