ઝુરા ગામમાં લોકડાઉન અંગે કોઇ ગંભીરતા જ નથી

ભુજ, તા. 7 : ખતરનાક કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કચ્છ સહિત સમગ્ર દેશમાં હાલ લોકડાઉન અમલી છે અને સમગ્ર તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી થઇ રહી છે. ઘણી જગ્યાએ લોકડાઉનનો કડક અમલ પણ થઇ રહ્યો છે ત્યારે કેટલીક જગ્યાએ હજુ પણ લોકો ગંભીર બેદરકારી દાખવતા જોવા મળે છે.  ભુજ તાલુકાના ઝુરા ગામમાં તો કોરોના અંગે જોઈએ તેટલી કોઈ જ ગંભીરતા કે જાગૃતિ લોકોમાં જોવા નથી મળતી અને લોકડાઉનની જાણે કોઈ જ અસર ન હોય તેમ લોકો બિનજરૂરી ગામમાં રખડતા જોવા મળે છે. ખાસ કરીને સવાર તથા સાંજના ભાગે ઘણા લોકો ગામના ઓટલાઓ પર કારણ વગર બેઠેલા જોવા મળે છે. સાંજના સમયે દુકાનોમાં પણ ભારી ભીડ જોવા મળે છે. દુકાનો બહાર ક્યાંય નિયત કુંડાળા પણ કરવામાં નથી આવ્યા. નિયમોનું કોઇ જ પાલન થતું નથી. સોશિયલ ડિસ્ટન્સના ઠેર- ઠેર ધજાગરા ઊડતા જોવા મળે છે. ગામમાં  જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો સિવાયની અન્ય દુકાનો પણ કોઈપણ પ્રકારના ભય વગર ખૂલી જોવા મળે છે. ગામમાં ફરતા 90 ટકા લોકો મોઢે માસ્ક કે રૂમાલ બાંધ્યા વગર ફરી રહ્યા છે. એકબીજાને મળતી વખતે પણ લોકો નમસ્કારના બદલે બિનધાસ્ત હસ્તધૂનન કરતા જોવા મળે છે. ગામમાં ખાનગી દવાખાનાઓ છે ત્યાં પણ દર્દીઓની ભીડ જોવા મળે છે. બે દિવસ પહેલાં ગામમાં ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રો આવ્યા હતા ત્યારે બસસ્ટેન્ડ પાસે  ટોળે વળેલા લોકો તેમને પોલીસ સમજી નાસી છૂટયા હતા. લોકડાઉન બાબતે ગામના જવાબદારોનો સંપર્ક કરતાં તેમણે લોકો માનતા ન હોવાનું કબૂલ્યું હતું. આ બાબતે સંબંધિતો દ્વારા પોલીસને  જાણ પણ  કરવામાં આવેલી છે. ગામમાં ગૃહરક્ષક દળના બે જવાન ફરજ બજાવે છે પણ તેઓ સ્થાનિક હોવાથી તેમને કોઈ ગાંઠતું નથી. સાંજના સમયે વાડી-ખેતરોમાંથી ગામ તરફ આવતાં એરંડા તથા ઘઉં ભરી લઇ આવતા ટ્રેકટરો તથા ગાડાંઓ પર પણ મોટા પ્રમાણમાં  મજૂરોનો  ખડકલો જોવા મળે છે. લોકોની આવી બેદરકારી બાબતે ગામના જાગૃત લોકો ખૂબ જ ચિંતા સેવી રહ્યા છે.  ગામમાં જો કોરોનાનો એકાદ પણ કેસ પોઝિટિવ આવશે તો ગામમાં આ રોગના ચેપને ફેલાતાં બિલકુલ વાર નહીં લાગે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer