ખગોળરસિકોએ શુક્ર કૃતિકાની યુતિનો નજારો માણ્યો

ભુજ, તા. 7 : હાલે સૂર્યાસ્ત બાદ પશ્ચિમ આકાશમાં ખૂબ જ પ્રકાશિત શુક્ર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આટલો ચમકતો પદાર્થ કયો છે ? તેવા ટેલિફોનિક પ્રશ્નો પણ સ્ટાર ગાઝિંગ ઇન્ડિયાને મળ્યા કરે છે તે દરમિયાન 3 એપ્રિલના રોજ શુક્ર કૃતિકા નક્ષત્રની એકદમ નજીક આવતાં રમણીય દ્રશ્ય સર્જાયું હતું. કૃતિકાને અંગ્રેજીમાં સેવન સિસ્ટર્સ (સાત બહેનો) અને ખગોળની ભાષામાં પ્લીઅડીસ અથવા એમ-45ના નામથી ઓળખવામાં આવે છે. આમ તો શુક્ર દર વરસે કૃતિકા પાસેથી પસાર થાય છે પરંતુ લગભગ આઠ વર્ષ બાદ તે કૃતિકાના તારક ઝૂમખા ઉપરથી પસાર થયો હતો જેનો નજારો કચ્છ-ગુજરાતના ખગોળરસિકોએ મન ભરીને માણ્યો હતો. સ્ટાર ગાઝિંગ ઇન્ડિયાના નરેન્દ્ર ગોર સાગરે આ ખગોળીય ઘટના વિશે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો ભલે બહાર ક્યાંય જઈ શકતા ન હોય પરંતુ પોતાના ઘરની અગાસી કે બાલ્કનીમાંથી તારા અને ગ્રહોની સંગાથે અવકાશી સફરનો આનંદ જરૂર લઈ શકે છે. વૃષભ રાશિમાં આવેલા કૃતિકા તારક ઝૂંડમાં સાતથી આઠ તારાઓ નરી આંખે જોઈ શકાય છે, જ્યારે સામાન્ય દૂરબીનથી 30 જેટલા તારાઓ ખૂબ નજીક નજીક જોઈ શકાય છે. 3 એપ્રિલના તારક ઝૂંડમાંથી શુક્ર પસાર થયો ત્યારે ગાયોના ઘણ વચ્ચેથી ગોવાળિયો પસાર થતો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું ! 400 પ્રકાશવર્ષ દૂર આવેલું કૃતિકા નક્ષત્ર પૃથ્વીની સૌથી નજીકનું ક્લસ્ટર છે. હવે ધીમે ધીમે તે કૃતિકાથી દૂર થઈ રહ્યો છે છતાં દૂરબીન કે નાના ટેલિસ્કોપથી આ નજારો હજી થોડા દિવસ જોવા મળશે. હવે પછી આવી ઘટના ઈ.સ. 2028માં જોવા મળશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer