માધાપર ગ્રા.પં. દ્વારા ખેડૂતોને અપાયેલા તમામ પાસ કલેક્ટરે રદ જાહેર કર્યા

ભુજ, તા. 7 : તાલુકાના પરા સમાન માધાપર ગામે કોરાનાનો પોઝિટિવ કેસ નોંધાતાં સંપૂર્ણ ગામને તંત્ર દ્વારા લોકડાઉન કરી દેવાયું છે તેવામાં માધાપર નવાવાસ ગ્રામ પંચાયતે વહીવટી સરળતા ખાતર ખેડૂતોને વાડી આવવા-જવા માટેના પાસ આપ્યા હતા એ તમામ પાસ જિલ્લા કલેકટરના આદેશથી રદ કરવામાં આવ્યા છે, હવે ગ્રામ પંચાયત તરફથી ખેડૂતોને આપવામાં આવેલા પાસ માન્ય રહેશે નહીં તેવી સૂચના ગ્રામ પંચાયત દ્વારા પણ આપવામાં આવી છે. આ કારણે ખેડૂતોને હાલાકી વેઠવી પડશે એવો કચવાટ ઊઠયો છે. આ તરફ ગામ લોકડાઉનના કારણે લોટ દળવાની ચકી માત્ર ત્રણ કલાક ખુલ્લી રહેતી હોવાથી તમામ લોકોને લોટ પહોંચાડી શકાતો નથી. જીવનજરૂરી ચીજવસ્તુનો પુરવઠો મળી રહે તે માટે થોડી છૂટછાટ આપવાની ગ્રામજનોએ માગણ કરી છે. જ્યાં પોઝિટિવ કેસ દેખાયો છે એ ક્રિષ્નાપાર્કમાં કેટલાક પરિવારો જીવનજરૂરી ચીજવસ્તુની પણ અછત ભોગવી રહ્યા છે. દરમિયાન અહીં રહેતા એક બીજલાણી દંપતી કે જેઓ ટિફિન  મગાવીને ભોજન આરોગે છે તેવામાં નવાવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ અરજણ ભુડિયાએ પુરવઠા અધિકારીને ફોન કરી ટિફિન માટેની વ્યવસ્થા ગોઠવી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer