નખત્રાણામાં ડ્રોનની મોજણીથી કામ વિના રખડતા 18 જણ પોલીસની ઝપટમાં

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 7 (પ્રતિનિધિ દ્વારા) : લોકડાઉન કાયદાની અમલવારી માટે તાલુકા મથક નખત્રાણા ખાતે ડ્રોનની મદદથી થઇ રહેલી બંદોબસ્ત કાર્યવાહી હેઠળ આજે 18 આરોપી સામે જુદા જુદા નવ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ઘરબંધીના કાયદાનો ચુસ્તીથી અમલ કરાવવા માટે પોલીસદળ નખત્રાણા ખાતે ડ્રોનની મદદ લઇ રહ્યું છે.ડ્રોન થકી મોજણી કર્યા બાદ આજે નખત્રાણાના જુદા જુદા વિસ્તારમાં કારણ વગર ફરી રહેલા કે ટોળે વળનારા કુલ્લ 18 જણને કાયદાની ઝપટે લેવાયા હતા. આ શખ્સો સામે અલગ-અલગ નવ ગુના દાખલ કરાયા હતા. ઇન્સ્પેક્ટર જે.કે. રાઠોડ સાથે સ્ટાફના સભ્યો આ કાર્યવાહીમાં જોડાયા હતા. બીજી બાજુ અબડાસામાં કોઠારા પોલીસ મથકે પણ લોકડાઉન અમલવારી હેઠળ કારણ વગર ઘરની બહાર નીકળીને ફર્યા કરતા 10 જણને પકડી પાડી તેમની વિરુદ્ધ જુદા-જુદા છ ગુના દાખલ કર્યા હતા. ફોજદાર એચ.એચ. જાડેજા સાથે સ્ટાફના સભ્યો આ કામગીરીમાં સામેલ થયા હતા. તો પોલીસદળના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભુજમાં આ પ્રકારના બે ગુના દાખલ કરાવ્યા હતા. જ્યારે માંડવી તાલુકામાં ગઢશીશા પોલીસ મથકે વિસ્તારના છ જણ સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરી આઠ વાહન પણ ડિટેઇન કર્યા હતા. ઇન્સ્પેક્ટર આર.ડી. ગોજિયા સાથે સ્ટાફના સભ્યો કાયદાકીય કાર્યવાહીમાં જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer