લોકડાઉનમાં જાહેર થતા પરિપત્રોમાં કરાતા ફેરફારથી થતી હાલાકી દૂર કરો

અંજાર, તા. 7 : લોકડાઉન સમયગાળામાં જાહેર થતા પરિપત્રોમાં વારંવાર ફેરફાર કરવાના કારણે લોકોને પડતી હાલાકી દૂર કરવા જિલ્લા કલેક્ટરને જિ.પં.ના વિપક્ષી નેતાએ રજૂઆત કરી ઉમેર્યું હતું કે, લોકોને બહાર નીકળવાનો સમયગાળો નિયત કરાયો છે તે જ સમયગાળા દરમ્યાન બેંકો તેમજ સરકારી કચેરીઓ ખૂલવી જોઇએ.જિલ્લા કલેક્ટર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં લોકોને કામ માટે નીકળવાનો સમયગાળો સવારે 7થી 12 કરવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને બેંકોનો સમયગાળો પણ સવારે 7થી 11 સુધી કરવો જોઇએ. જેથી લોકો નાણાકીય વ્યવહાર આ સમયગાળા દરમ્યાન કરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા લોકો પણ શહેરમાંથી બહાર નીકળી શકે. સરકારી કચેરીઓ જે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલી છે તેવી કચેરીઓ તેમજ રાશનની દુકાનોનો સમયગાળો પણ સવારે 7થી 11 જ કરવો જરૂરી છે. લોકો તેમના વાહનો દ્વારા નિયંત્રિત સંખ્યામાં હોવા છતાં પોલીસ દ્વારા કોઇ પણ જાતની રજૂઆતો તેમજ વાજબી કારણો આપવા છતાં વાહનોને ડિટેઇન કરી લેવાય છે અને લોકોની પણ અટકાયત કરવામાં આવે છે જે વાજબી નથી. રાજ્યના ડી.જી.પી.એ પણ જણાવ્યું છે કે પોલીસ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં ન આવે તેમ છતાં ઘણા કિસ્સાઓમાં પોલીસ દ્વારા અતિરેક કરવામાં આવે છે. પરિપત્ર મુજબ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કચ્છના જુદા જુદા વિસ્તારોમાં રાશનકિટ, ભોજનની વ્યવસ્થા તેમજ અન્ય સેવા કરવા દરરોજ પૂર્વમંજૂરી સક્ષમ અધિકારી પાસેથી લેવાની રહેશે તેમજ સરકારી કર્મચારીઓ પણ આ વિતરણ વ્યવસ્થા વખતે હાજર રાખવાના રહેશે. ત્યારે આ બાબતે સંસ્થાઓ કઇ રીતે કામ કરી શકશે. તાજેતરમાં રેશનિંગની દુકાનો ઉપરથી અનાજ ઘણા ગામોમાં સડેલું તથા ખરાબ વિતરણ કરવામાં આવ્યું છે તેવી ફરિયાદો મળી હોવાનું જિ.પં.ના વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer