સરહદ ડેરી દ્વારા કચ્છના માલધારીઓ માટે સરહદ દાણનું વેચાણ ચાલુ કરાયું

અંજાર, તા. 7 : કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરીના ચાંદ્રાણી સ્થિત ફુલ્લી ઓટોમેટિક (માનવરહિત) પશુ ખાણદાણ પ્લાન્ટ જેની પ્રતિદિન ક્ષમતા 6000 બોરીની છે. જેમાંથી સામાન્ય રીતે દૂધ સંઘ સાથે સંકળાયેલી મંડળીઓ મારફત પશુપાલકોને સરહદ દાણનો પુરવઠો અપાય છે પરંતુ હાલમાં લોકડાઉનની પરિસ્થિતિ છે અને દૂધાળા પશુઓના ચારામાં તકલીફ ના પડે તે હેતુથી કચ્છ જિલ્લાના તમામ પશુપાલકોને સરહદ ડેરી દ્વારા સરહદ દાણ વેચાણથી આપવામાં આવશે.ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના કોઈ પણ પશુપાલક જે દૂધ સંઘ સાથે સંકળાયેલા ન હોય તો પણ તેને ખાણ દાણની જરૂરિયાત હોય તો દૂધ સંઘનો સંપર્ક કરી અને દાણ મેળવી શકે છે, જેનો ભાવ હાલમાં 930 રૂપિયા પ્રતિ 50 કિલોગ્રામની બેગનો છે. પરંતુ આવી પરિસ્થિતિમાં પશુપાલકોને 30 રૂપિયા પ્રતિ બેગ સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી પશુપાલકોને એક બેગ 900 રૂપિયામાં પડશે. વધુમાં શ્રી હુંબલે જણાવ્યું કે, સરહદ ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતું દાણ એ સરકારના બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈપ-1 અને ટાઈપ-2 દ્વારા નિયત કરવામાં આવે છે. કચ્છના ભૌગોલિક અને હવામાનની દ્રષ્ટિએ ઘાસચારાને ધ્યાને રાખીને  જરૂરી પ્રોટિન સાથે બનાવવામાં આવે છે તેમજ પશુઓની તંદુરસ્તી સાથે લાંબાગાળા માટે આરોગ્યપ્રદ, પૌષ્ટિક તેમજ દૂધના ફેટ વધારવા ગુણવત્તા ઉત્તમ છે. તેમણે ગૌશાળાઓને પણ લાભ લેવા અનુરોધ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer