લોકડાઉનની ચુસ્ત અમલવારી અર્થે પોલીસવડા જાતે રસ્તા પર ઉતર્યા

લોકડાઉનની ચુસ્ત અમલવારી અર્થે પોલીસવડા જાતે રસ્તા પર ઉતર્યા
ભુજ, તા. 4 : લોકડાઉનના અમલ માટે આજથી જિલ્લા કલેક્ટરે નવું શહેરીજનો માટે `કડક' જાહેરનામું બહાર પાડી આવશ્યક ચીજવસ્તુઓ માટે સવારે 7થી 11 અને સાંજે 5થી 7ના ગાળા માટે મુક્તિ આપી છે. જેની અમલવારી માટે આજે ભુજના માર્ગો પર પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા સૌરભ તોલંબિયા ખુદ પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. આજે બપોરે શહેરના સ્ટેશન રોડ અને સરપટ નાકા બહાર તથા ભીડ વિસ્તાર બાજુ પોલીસવડા શ્રી તોલંબિયાએ ટીમ સાથે નીકળી લોકડાઉનની અમલવારીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સમયમર્યાદાવાળા નવા જાહેરનામા અંગે અનેક શહેરીજનો અજાણ હોય એ રીતે નીકળી પડતાં તેઓ સામે પોલીસે જાહેરનામા ભંગ અંગે કડક કાર્યવાહી કરી હતી. જ્યારે પેટ્રોલિંગ દરમ્યાન ડીએસપી શ્રી તોલંબિયાએ રસ્તા પર મળેલા અનેક વડીલોના હાલ-હવાલ પૂછી મુશ્કેલીઓ જાણી હતી. પોલીસવડા શહેરની ત્રણ-ચાર બેન્કમાં પણ ગયા હતા. એકબીજા વચ્ચે અંતર જાળવવા અંગે ભાર મૂકી સૂચનાઓ પણ આપી હતી.ભીડ ગેટ વિસ્તારમાં પોલીસવડાના તાબાના અધિકારીઓ અને કર્મચારીઓને લોકડાઉનની કડક અમલવારી કરવા માટે વિવિધ માર્ગદર્શન અને સૂચનાઓ આપતા હતા. પોલીસવડાના કાફલાની સાથે ડ્રોનની ટીમ પણ હતી અને ડ્રોનથી બાજનજરથી પોલીસવડાએ આ વિસ્તારનું વિહંગાવલોકન કર્યું હતું. પોલીસની વાન દ્વારા લાઉડ સ્પીકર મારફત લોકડાઉન અંગેની સૂચનાઓ આપતા દેખાયા હતા. પોલીસ વડા સાથે એલસીબી શાખા, શહેર જિલ્લા ટ્રાફિક પોલીસ જોડાઈ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer