લોકડાઉન થકી બન્નીની હાલત દયનીય

અલી જુમ્મા રાયશીપોત્રા દ્વારા-
ભીરંડિયારા (તા. ભુજ), તા. 4 : ગત 22મી માર્ચથી થયેલા લોકડાઉનનાં પગલે જિલ્લાના અંતરિયાળ બન્ની વિસ્તારની હાલત દયનીય બની છે, અહીં રોજનું કમાઇ ખાનારા વર્ગને હવે ખાવાના પણ સાંસા પડી રહ્યા છે. આ વિસ્તારમાં હજુ સુધી કોઇ સરકારી સહાય નથી પહોંચી, તો દૂધ પર નભનારો માલધારી વર્ગ પશુદાણના ઊંચા ભાવ, દૂધ-મીઠા માવાનો ધંધો બંધ થઇ જતાં મુશ્કેલીમાં મુકાયો છે. આ વિસ્તારના ભીરંડિયારા, હોડકો, રેલડી, મદન, નાની દદ્ધર, વાઘુરા, દેઢિયા મળીને 49 ગામડાઓ જ્યાં મજૂરવર્ગ સૌથી મોટી સંખ્યામાં છે, જેમનો મુખ્ય ધંધો લાકડાં કાપી ગુજરાન ચલાવવાનો છે. આ વર્ગને હવે રીતસરના ખાવાના ફાંફા પડવા લાગ્યા છે. રેલડી ગામમાં 40થી 50 ઘર એવા છે જે રોજેરોજનું કામ કરી ગુજરાન ચલાવતા હતા, લોકડાઉનને લીધે હવે લોકો પાસે ખાવાની સામગ્રી પણ ખૂટવા લાગી છે. અહીં હજુ સુધી કેઇ સરકારી સહાય પહોંચી નથી. બી.પી.એલ. કાર્ડધારકોને તો સસ્તા અનાજની દુકાનોએ સરકારની ફ્રી યોજનાનો લાભ મળી રહ્યો છે, પણ બન્નીનો મજૂરવર્ગ એ.પી.એલ. કાર્ડ ધરાવે છે, જેને લીધે સરકારની યોજનાથી વંચિત છે. આવી જ હાલત માલધારી લોકોની છે. ડેરીઓ અને મંડળીઓએ વધુ દૂધનો જથ્થો ન રાખતાં રોજનું હજારો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે. જો કે, મુખ્યમંત્રીની જાહેરાત પછી માંડ-માંડ આજથી ડેરીઓ દૂધનો જથ્થો રાખવા સંમત થઈ છે. તો ગાય, ભેંસ માટે જરૂરી એવા ખોળ અને ભૂસાનો ભાવ આસમાને પહોંચી જતાં માલધારીવર્ગ પણ મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. માલધારીઓ માંગ કરી રહ્યા છે કે સરકારની દેખરેખ હેઠળ રાહત ભાવે ખોળ, ભૂસાનું વિતરણ થાય તો થોડી રાહત મળે, જેમ-જેમ લોકડાઉનના દિવસો આગળ વધી રહ્યા છે તેમ-તેમ અહીં પાણીની પણ દિવસે-દિવસે તંગી વધતી જાય છે. બન્નીના મોટાભાગના અવાડાઓ ખાલીખમ પડયા છે. અચાનક આવી પડેલી કુદરતી આફતમાં હવે પશુધન પણ મોતના મુખમાં ધકેલાશે એવી આશંકા ઊભી થઇ ગઇ છે. વહેલી તકે સરકાર અથવા વર્ષોથી બન્નીમાં પગ જમાવી બેઠેલી સંસ્થાઓ લોકો અને પશુધન માટે આગળ નહીં આવે તો ગરીબ મજૂરવર્ગ હવે કદાચ ભૂખમરાને કારણે મોટી મુસીબતમાં મુકાઇ જશે. શિક્ષણની રીતે પછાત એવા બન્ની વિસ્તારમાં કોઇ પણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી, આજ દિવસ સુધી કોઇ માસ્ક ને સેનિટાઇઝરનું વિતરણ થયું નથી. કુદરતનો પાર માનો કે આ વિસ્તારમાં પોઝિટિવ કેસ ન હોવાથી લોકો સુરક્ષિત છે પણ જો આવો કેઇ બનાવ બને તો અહીં તો આવી જ બને. આરોગ્ય શાખાના તજજ્ઞો દ્વારા લોકોને કોરોના બાબતે પૂરી માહિતી આપવામાં આવતી નથી. કે એક બીજાથી અંતર બનાવી રાખો અથવા વારે ઘડીએ હાથ ધોતા રહો, વહેલી તકે લોકોને માસ્ક અથવા સેનિટાઇઝર વિશે માહિતગાર કરી તેમને જો માસ્ક કે સેનિટાઇઝર પૂરા પાડવામાં આવે તો લોકો સુરક્ષિત રહી શકે. ભીરંડિયારા પીએચસીનો સ્ટાફ સવારે આવે છે પરંતુ બપોરે ત્રણ વાગ્યા પછી કેઇ મળતું નથી. આવા સમયમાં આરોગ્ય ખાતાની લાપરવાહી મુશ્કેલી સર્જશે. વહેલી તકે સરકાર આવા ડોકટરો અને નર્સો પર ધ્યાન આપે તેવું અહીંના વિસ્તારના રહેવાસીઓ ઇચ્છી રહ્યા છે.બન્નીના મુખ્ય મથકે ભીરંડિયારામાં અંદાજે 40થી 50 રેસ્ટોરેન્ટ અને માવાની દુકાનો આવેલી છે. 22 માર્ચના લોકડાઉનના લીધે માવાનો જથ્થો બગડી જતાં વેપારી આલમને મોટો ફટકો પડયો છે.