ઘડુલીમાં રાશનની દુકાનમાં જથ્થો ઓછો મળતો હોવાની બબાલ થતાં પોલીસ બોલાવવી પડી

ઘડુલીમાં રાશનની દુકાનમાં જથ્થો ઓછો મળતો હોવાની બબાલ થતાં પોલીસ બોલાવવી પડી
દયાપર (તા. લખપત) તા. 4 : તાલુકાના ઘડુલી ગામમાં સસ્તા અનાજની દુકાન પર રાશનના તોલમાપ બાબતે ડખો થતાં નાયબ મામલતદારને ઘડુલી મોકલવાની ફરજ પડી હતી. ખટિયા ગામના કાર્ડધારકોએ ફરિયાદ કરતાં કહ્યું હતું કે, ખાંડ 200 ગ્રામ ઓછી મળી રહી છે. જે તોલમાપમાં સ્પષ્ટ દેખાય છે અને આ બાબતના અમુક કાર્ડધારકોએ વીડિયો પણ વાયરલ કર્યાના હેવાલ છે. વજનકાંટામાં 7પ0 ગ્રામ, 900 ગ્રામ ખાંડનો જથ્થો થઈ રહ્યો છે અને દાળ મળતી નથી તેવી ફરિયાદ કરી હતી. કાર્ડધારકોએ આ બાબતનો વીડિયો ઉતારતાં બબાલ થઈ હતી અને ટોળું એકઠું થઈ ગયું હતું. બાદમાં ઘડુલી બસ સ્ટેશન પર રૂટ ચેકિંગ માટે ઉપસ્થિત પોલીસ જવાનો અહીં દોડી આવ્યા હતા અને લોકોને છુટા પાડયા હતા. ગામના તલાટીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, એકાદ-બે ગ્રાહકને ઓછું અપાયું તો ક્યાંક 101પ ગ્રામ પણ અપાયું છે. હવે વ્યવસ્થિત માપતોલ કરીને વિતરણ કરાયું છે અને જેને ઓછું મળ્યું તેને બોલાવીને પૂરતો જથ્થો અપાયો છે. દાળનો જથ્થો તો આવ્યો જ ન હતો તેથી વિતરણ કેવી રીતે થાય, કાર્ડમાં પણ એન્ટ્રી નહોતી કરાઈ. મામલતદારશ્રી સોલંકીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સવારના ઘડુલીમાં આ બાબતે માથાકૂટ થતાં નાયબ મામલતદારને ત્યાં વિતરણ વ્યવસ્થા માટે ખાસ મુકાયા છે. કાર્ડધારકોનાં નિવેદન પણ લેવામાં આવશે. ખોટું થતું હશે તો કાર્યવાહી પણ કરાશે. હાલમાં ઘડુલી ખાતે વિતરણ વ્યવસ્થા ચાલુમાં જ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer