સરહદ ડેરી દૂધ ખરીદવાનું શરૂ નહીં કરે તો વગડામાં જ નહીં પણ ક્યાંયે જીવી નહીં શકાય

સરહદ ડેરી દૂધ ખરીદવાનું શરૂ નહીં કરે તો વગડામાં જ નહીં પણ ક્યાંયે જીવી નહીં શકાય
ભુજ, તા. 4 : વર્તમાન સંજોગોમાં પોતાના ગામથી ખૂબ જ દૂર જંગલોમાં ઊંટ ચરાવતા વિચરતા માલધારી પરિવારોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે. આવા સંજોગોમાં કચ્છના વિવિધ ચરિયાણ વિસ્તારોમાં વિચરતા 70 માલધારી પરિવારોને શોધીને તેમના સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ રાશન કિટ પહોંચતી કરવા સહજીવન સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. અબડાસા, લખપત, નખત્રાણા, રાપર, ભચાઉ, અંજાર અને ભુજ તાલુકાના વિવિધ સીમાડાઓમાં વગડાની વચ્ચે પણ માલધારીઓ સાથે સંપર્ક કરીને તેમને શોધી શોધીને રાશન કિટ પહોંચતી કરાઈ છે. લોકડાઉન થયા પછી, માલધારીઓ સાથે સંપર્ક કરતા મોટાભાગનાએ જણાવ્યું હતું કે અમે સામાન્ય રીતે ચારથી પાંચ દિવસનું રાશન નજીકના ગામમાંથી ખરીદ કરતા હોઈએ છીએ, પરંતું લોકડાઉન પછી મોટાભાગના ગામોમાં રાશનના પુરવઠાનો અભાવ, ગામમાં જતા બીમારી લાગી જશે તેવો ભય તેમજ ચારથી વધુ લોકો ભેગા થાય ત્યાં પોલીસનો માર પડવાના ભયને કારણે તેઓ રાશન ખરીદી કરવા ગામમાં જઈ શકતા નથી. ઉપરાંત સામાન્ય સંજોગોમાં તેઓ પોતાની ઊંટડીઓનું દૂધ આદવીક ડેરી, સરહદ ડેરી તેમજ ચા તેમજ હોટેલો પર વેંચીને રોંજિંદી આવક મેળવે છે, પરંતુ લોકડાઉનના કારણે દૂધનું વેચાણ બિલકુલ બંધ થઈ જવાથી રોજિંદી આવકના અભાવે પણ રાશન અને જીવનજરૂરી વસ્તુઓ મેળવવી તેમના માટે દુષ્કર બની ગઈ છે. લોકડાઉન થયા પછી, ઊંટની ખરીદી માટે પણ કોઈ આવતું નથી જેથી તેમની આવકના તમામ સ્રોત બંધ થઈ જતાં તેમનું ગુજરાન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. આવા સંજોગોમાં સહજીવન સંસ્થા દ્વારા માલધારીઓ સાથે સંપર્ક કરીને તેઓ ગામડાઓથી દૂર દૂર જંગલો અને સીમાડાઓમાં હોય ત્યાં તેમને શોધીને 65 જેટલા માલધારી પરિવારો સુધી રાશન કિટ પહોંચતી કરાઈ છે. રાશન કિટમાં એક કટુંબને 1પ દિવસ ચાલે તેટલું અનાજ, ચોખા, ચા-ખાંડ, તેલ, મસાલા, સાબુ વિગેરે જેવી જીવન જરૂરી વસ્તુઓ આપવામાં આવી છે.  માલધારીઓની જરૂરિયાતો બાબતે પૂછતાં મોટાભાગના જણાવે છે, કે જેમ બને તેમ વહેલી તકે સરહદ ડેરી અને પ્રાઈવેટ ડેરી દ્વારા દૂધ લેવાનું ચાલુ કરવામાં આવે તો તેમને ઘણો ટેકો મળી શકે અન્યથા આવક વગર લાંબો સમય કાઢવો મુશ્કેલ થશે. સહજીવન દ્વારા આવા વિચરતા માલધારીઓની તાલુકા પ્રમાણે યાદી તૈયાર કરવામાં આવી છે, જે યાદી કલેકટર અને તાલુકાના મામલદારોને આપવામાં આવશે, જેથી સરકાર દ્વારા અપાતું રાશન તેમને ફાળવવામાં આવે. આ સમગ્ર કામગીરીમાં સહજીવનના મહેન્દ્ર ભાનાણી, જભારભાઈ સમા, મહેશ ગરવા, પંકજભાઈ જોષી, રીતેશ પોકાર તેમજ માલધારી સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારી દ્વારા સીમાડામાં જઈને કામગીરી થઈ છે, ઉપરાંત કચ્છ મહિલા વિકાસ સંગઠન અને સેતુની ટીમ દ્વારા કિટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. કચ્છના ઊંટ માલધારીઓ અને ઘેંટાં-બકરાં ચરાવતા અન્ય વિચરતા માલધારી પરિવારોને વર્તમાન લોકડાઉનના સંજોગો અને કદાચ હજુ વધુ લંબાય તો તેવા સંજોગોમાં સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જરૂરી તમામ મદદ કરવા માટે સહજીવન સંસ્થાના પ્રયાસો ચાલુ રહેશે તેમજ સંસ્થાના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયુ છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer