લોકડાઉનને પગલે દાડમના ભાવ 80થી ઊતરી 30

લોકડાઉનને પગલે દાડમના ભાવ 80થી ઊતરી 30
વિથોણ (તા. નખત્રાણા), તા. 4 સમગ્ર નખત્રાણા પંથકમાં દાડમનું ઉત્પાદન ખેડૂતોની ધારણા મુજબ થયું છે અને કોરોના નીકળ્યા પહેલાં ખેડૂતોની ખુશીનો પાર નહોતો. કારણ કે ત્યારે બજારમાં દાડમનો ભાવ રૂા. 80થી 100 પ્રતિ કિલોનો હતો, પણ લોકડાઉન જાહેર થતાં જ રસ્તા બંધ થઈ જતાં હવે દાડમ પ્રતિકિલોના રૂા. 30 પણ માંડ મળે છે. નખત્રાણાના ખેડૂત અગ્રણી મણિભાઈ લીંબાણી અને સાંગનારાના ખેડૂત જયંતીભાઈ લીંબાણીના જણાવ્યા મુજબ લગભગ 1પ દિવસ પહેલાં દાડમનો ભાવ પ્રતિ કિલો 80થી 100?હતો અને ખેડૂતો પણ ગેલમા હતા, પરંતુ હવે દાડમના ભાવ ભારે ગગડયા છે. અત્યારે વેપારીઓના ભાવ 30 રૂા. પ્રતિ કિલો છે તે પણ ગુણવત્તાવાળા દાડમના ભાવ બોલાય છે. ખેડૂતોએ દાડમનો ફાલ પણ ઉતારી લીધો છે. અત્યારે બોક્સ ભરવાની કામગીરી ચાલુ છે. પરંતુ બહારના વેપારીઓ ક્વોલિટી દાડમના ખૂબ જ નીચા ભાવ માગે છે. અગાઉ ફર્સ્ટ ક્વોલિટીનો ભાવ 80 રૂા. પ્રતિ કિલો હતો. જે અત્યારે માત્ર 30 રૂા.ના ભાવે પણ ખરીદવામાં વેપારીઓ ગરજ બતાવે છે અને માલ રાજકોટ પહોંચ્યા પછી ક્વોલિટી નબળી હોવાનું કહી બિલમાં કાપ મૂકે છે. મણિભાઈના જણાવ્યા મુજબ દાગી પડી ગયેલા દાડમ તેમજ ફાટી ગયેલા ફળોને પશુઓને નીરણ કરવામાં આવે છે. જે દાડમના આગોતરા સોદા થયા છે અને ખેડૂતોનો પાક પણ ઉતારી લેવામાં આવ્યો છે ત્યારે વેપારીઓ પણ થોભો અને રાહ જુવો તેવું કહીને ફોન કાપી નાખે છે. અત્યારે દાડમની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી છે. તમાચો મારી મોઢું લાલ રાખવા જેવું ખેડૂતો સાથે થયું છે કારણ કે દાડમને સાચવવા ખેડૂતો માટે મુશ્કેલ છે. ઉતાર્યા પછી બેચાર દિવસમાં દાડમ બગડવા લાગે છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer