-ને હવે માંડવી તાલુકામાં ભૂસાની અછત

-ને હવે માંડવી તાલુકામાં ભૂસાની અછત
કાઠડા (તા. માંડવી), તા. 4 : સરકાર દ્વારા રજિસ્ટ્રર્ડ પાંજરાપોળ, ગૌશાળાઓ સહિત માટે પશુદીઠ 25 રૂા.ની સહાય હાલના સમયે જાહેરાત કરી છે, ત્યારે જાણી શકાય છે કે, સરકાર દરેક રીતે કોરોના સામે લડવા મોરચો માંડી રહી છે. પરંતુ હાલમાં છેલ્લા બે દિવસથી દૂધાળા પશુઓ માટે અત્યંત ઉપયોગી ગણાતા ઘઉં, જવના ભૂસાની માંડવી તાલુકામાં બહુ જ અછત જણાઇ રહી છે, તેવું પશુપાલકો પાસેથી જાણવા મળ્યું છે. અમુક ડેરી ઉદ્યોગ દ્વારા પશુઓને  અપાતા ખડનું વાજબી ભાવે આ તાલુકામાં વિતરણ કરાય છે, પરંતુ માલધારીઓ ભૂસાનો પણ પુષ્કળ ઉપયોગ કરતા હોય?છે, જેની બહુ જ અછત છે. માંડવીના ગામડા તથા શહેરમાં ક્યાંય જ મળતો નથી. આ અંગે માલધારીઓએ જણાવ્યું હતું કે, દૂધાળા પશુઓને દૂધ દોહવા સમયે બાજરા વતરા, પરાર કે કપાસના  ઠાલિયા સાથે આ ભૂસો મિક્સ કરી અપાય છે, જેથી દૂધ પણ પશુઓ વધુ આપતા હોય છે અને કાયમ ખાવામાં આ ભૂસાનો ઉપયો થતો હોવાથી ભૂસાની અછતના લીધે તેની અસર દૂધ ઉપર જરૂર પડશે, જ્યારે  જથ્થો ખતમ થઇ રહ્યો હતો ત્યારે અમુક વેપારીઓ માલધારીઓ પાસેથી તકનો લાભ પણ લઇ રહ્યા હોવાની ફરિયાદ ઊઠી છે. માંડવીમાં વ્યવસાય કરતા અમૃત પશુ ભંડારનો સંપર્ક કરતાં ત્યાંથી જાણવા મળ્યું કે,  લોકડાઉન સમયે સ્ટોક હતો પણ હવે તે સ્ટોક ખતમ થઇ જતાં નવો માલ ઉપરથી જ આવતો નથી. આખા માંડવી તાલુકામાં અછત છે, તો  માંડવીમાં અન્ય કોઇ વેપારીઓ પાસે જથ્થો ખરો ? ત્યારે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિએ માંડવીમાં ક્યાંય નહીં મળે, ત્યારે સરકાર દ્વારા પશુઓ માટે વધારે પ્રમાણમાં વપરાતા ભૂસાની વ્યવસ્થા કરાય તેવી માંગ પશુપાલકો કરી રહ્યા છે. અને જેમ ડેરી ઉદ્યોગ દ્વારા?ખોડ અપાય છે તેમ ડેરી ઉદ્યોગ અને સરકાર દ્વારા ભૂસાના ભાવમાં ઘટાડો કરી અને જેમ રજિસ્ટર્ડ પાંજરાપોળ તથા ગૌશાળાઓ માટે પશુદીઠ રૂા. 25ની સહાય કરી છે, ત્યારે  હાલના તબક્કે આ ભૂસો વાજબી ભાવે પશુઓને અપાય તો તેનો લાભ દરેક માલધારીઓને મળી રહે તેવી માંગ ઊઠી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer