માતૃભાષાને જાળવી રાખવા અનુરોધ

માતૃભાષાને જાળવી રાખવા અનુરોધ
ભુજ, તા. 4 : `ઉજાસભણી - તરુણાવસ્થાનો વસંતોત્સવ' કાર્યક્રમના ત્રીજા તબક્કામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, લોડાઈ ખાતે કચ્છ યુનિવર્સિટીના કા. કુલપતિ ડો. દર્શનાબહેને વિદ્યાર્થીઓને ભાષા શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. પદ્મશ્રી નારાયણ જોશી `કારાયલ'નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેઓએ સંત મેકણની ભૂમિમાં કચ્છી ભાષાના ગૌરવની ગાથા વર્ણવી એટલું જ નહીં માતૃભાષા જાળવી રાખવા સતત પ્રયત્નશીલ રહેવાની શીખ આપી હતી. ગામના સરપંચ ભરતભાઈ પટેલ, શ્રવણ કાવડિયા ટ્રસ્ટના પ્રમુખ હરિભાઈ પટેલ તેમજ અગ્રણી ગ્રામજનો કાન્તુભાઈ મહેતા, ડો. સોઢા, રમેશભાઈ શેઠ, હિરેનભાઈ, ભુરાભાઈ ગરવા, અનિલ શેખવા, ધવલભાઈ, રમેશભાઈ, હરિભાઈ ઝરુએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક આવકાર આચાર્ય એસ.એસ. ભાટી દ્વારા આપવામાં આવ્યો હતો. સંચાલન સ્નેહલ વૈદ્ય અને આભારવિધિ જ્ઞાનદીપ હાઈસ્કૂલના આચાર્ય કિરીટ પરવાડિયા દ્વારા કરવામાં આવી હતી. બંને શાળાના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ સિદ્ધિઓ બદલ વિવિધ પ્રમાણપત્રો અને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. નાગરિક સંરક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ પદક વિજેતા વિભાકરભાઈ અંતાણીનું સન્માન તેમજ વિદ્યાર્થીઓ માટે વિશેષ માર્ગદર્શન સત્ર રાખવામાં આવ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે ભુજની સાથ એજ્યુકેશન સંસ્થાના અમિતભાઈ  રાઠોડે પ્રાયોગિક ક્વીઝ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બીજા તબક્કામાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી. એન. પટેલ દ્વારા તરુણાવસ્થા સંબંધી કાયદાકીય બાબતો અને પોકસો એક્ટની રજૂઆત કરી હતી. કુનરિયા ગામના સરપંચ સુરેભાઈ છાંગાનો સહયોગ સાંપડયો હતો. આયુષ ડોકટર રાજેશ સોલંકી દ્વારા મનો-શારીરિક ફેરફારો સંબંધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer