ત્રીઓના ગર્ભાશય કેન્સરનો વધતો આંકડો હાલના સમયમાં ચિંતાજનક

ત્રીઓના ગર્ભાશય કેન્સરનો વધતો આંકડો હાલના સમયમાં ચિંતાજનક
નિરોણા (તા. નખત્રાણા), તા. 4 : દેશમાં હાલ મહિલા ગર્ભાશય મુખના કેન્સરમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે સરહદી જિલ્લાની મહિલાઓમાં આ બાબતે જાગૃતિ જરૂરી છે તેવું પ્રથમવાર આ ગામે ખાનગી વીજ ઉત્પાદન કરતી કંપની કીન્ટેક સીનર્જી પ્રા.લિ.ના સહયોગથી ઈન્ડિય રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય અને કચ્છ જિલ્લા શાખા દ્વારા યોજાયેલા મહિલા ગર્ભાશયને લગતા રોગોના મફત તપાસણી કેમ્પને ખુલ્લો મૂકતાં રેડક્રોસ ગુજરાત શાખાના પ્રોગ્રામ કોર્ડિનેટર કવિતાબેન ચાવડાએ જણાવ્યું હતું. અહીંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા આ કેમ્પમાં પાવરપટ્ટી વિસ્તારના ગામોની 80 મહિલાએ લાભ લીધો હતો. રેડક્રોસ જિલ્લા શાખાના પ્રોગ્રામ કોર્નિનેટર તુષારભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, અદ્યતન ટેકનોલોજી ધરાવતી લેબ. દ્વારા ગર્ભાશયના કેન્સર અને અન્ય રોગોની તપાસણીનો આ પ્રથમ કેમ્પ છે. હવે પછી આ સંસ્થા દ્વારા અલગ અલગ સ્થળોએ આવા કેમ્પોનું આયોજન કરી ગર્ભાશયના કેન્સરનું પ્રમાણ ઘટાડવાની નેમ વ્યક્ત કરી હતી. આ તપાસણી કેમ્પમાં 21થી 65 વર્ષ સુધીની પરિણીત મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર, યોની માર્ગમાંથી સફેદ પાણી પડવું, કમ્મર કે પેઢામાં દુ:ખાવો થવો, માસિક તકલીફ જેવા રોગોની નિ:શુલ્ક તપાસ કરવામાં આવી હતી. આ પ્રસંગે વીજ કંપનીના સિનિયર મેનેજર જીતીનભાઈ સોનીએ ગામ લોકોના સહકારની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો. કંપનીના આર.સી. પટેલ, દિલીપ દેશલિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખાના ત્રીરોગ નિષ્ણાત ડો. ઉર્મિલાબેન મહેતા, લેબ. ટેકનેશિયન પિન્કીબેન મહેતાનો સહયોગ મળ્યો હતો. રેડક્રોસ સોસાયટી કચ્છ જિલ્લા શાખાના ચેરમેન અરુણભાઈ જૈન, વાઈસ ચેરમેન વિમલ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. તપાસણી કેમ્પને સફળ બનાવવા અગ્રણી કાનજીભાઈ ભાનુશાલી, પી.એસ.આઈ. વી.એચ. ઝાલા, પ્રા. આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી એ.કે. પ્રસાદ અને સ્ટાફનો સહયોગ સાંપડયો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer