લોકડાઉનના સન્નાટા વચ્ચે 203 ઉદ્યોગ થયા ચાલુ

ભુજ, તા. 4 : આખાય ભારતમાં લોકડાઉનને પગલે કચ્છમાં પણ આવશ્યક સિવાયના તમામ કામકાજ બંધ?છે પરંતુ નવાઇની વાત એ છે કે કચ્છમાં અમે આવશ્યક સેવામાં આવીએ છીએ એવું કહીને 203 નાના-મોટા ઉદ્યોગો ધમધમતા થઇ ગયા છે. જેમાં એકલ-દોકલ નહીં 8500 કામદારો કામ કરતા પણ થઇ?ગયા છે, ત્યારે સવાલ એ ઊઠે છે કે આવા એકમોને સામાજિક અંતરનો નિયમ નહીં  નડે ? નાનકડી નાઇની સલૂનની દુકાન બંધ?છે, ટાયર પંકચર કે વાહનોમાં હવા ભરવાના, રિપેરિંગના આવા સાવ સામાન્ય ધંધા બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર?ઉદ્યોગોના જ 626 વાહનને પરિવહન કે હરવા-ફરવા છૂટ આપવામાં આવેલી છે, શું આ વાહનોમાં પંકચર નહીં પડે ? આવા અનેક સવાલો અત્યારે ઊભા થયા છે. જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમ્યાન લોકોને બિસ્કિટ વગર 21 દિવસ ચાલી શકે તેમ છે,મોટાભાગનું ઉત્પાદન બંધ?છે તો બિસ્કિટની પણ જરૂરત રહેતી નથી, તો આવા એકમને  મંજૂરી  જરૂરી  ખરી ? આવા તો અનેક એકમો છે જેઓને ઉત્પાદન કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. કચ્છમાં વેલસ્પને માસ્ક બનાવવા છે એટલે તેને પરવાનગી મળી છે. આવશ્યક ચીજો માટે ભલે મંજૂરીઅપાય પણ તેમાં પૂરતી વિચારણા થવી જોઇએ. ખરેખર આ બાબતે ઉદ્યોગોને પરવાનગી આપવાની જવાબદારી સોંપવામાં આવી છે એ નાયબ કલેક્ટર શ્રી પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, સરકારની નીતિ છે એટલે પરવાનગી આપવામાં આવે છે. અત્યાર સુધી 457 એકમોએ ધંધો શરૂ કરવાની માગણી કરી છે. આ તમામ એકમોના માલિકોએ જુદા જુદા કારણો આગળ ધરીને જણાવ્યું હતું કે, અમે આવશ્યક સેવામાં આવીએ છીએ. આવેલી અરજી બાદ ઇન્ડ. સેફટી લેબર, પ્રદૂષણ નિયંત્રણ, ખાદ્ય નિરીક્ષક સહિતના અધિકારીઓની બનેલી એક કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવે છે, જેમને આપવા યોગ્ય હોય છે તેની ભલામણ કરી જે તે વિસ્તાર હેઠળના પ્રાંત અધકારીને ભલામણ કરવામાં આવે છે. બાદમાં  પ્રાંત અધિકારી દ્વારા એકમને મંજૂરી અપાય છે. જેટલા માણસોની જરૂરત હોય એ મુજબ 10થી 20 ટકા કામદારોની જરૂરિયાતને ધ્યાને લઇ પરવાનગી અપાય છે અને આ માટેના માણસોના અને વાહનોના પાસ મામલતદાર દ્વારા આપવામાં આવે છે. શ્રી પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે માત્ર ખાવા-પીવાની, દવા, પાવર ઉત્પાદન એવા માત્ર આવશ્યકતાવાળા એકમોને જ છૂટ આપવામાં આવે છે. આજે પણ વધુ 32 એકમો દ્વારા નવી માગણી કરવામાં આવી છે. ક્યાંક બંદરો સાથે સંકળાયેલા ઉદ્યોગો પણ આ છૂટછાટમાં સમાવવામાં આવ્યા છે. જ્યાં લોકડાઉન?છે, લોકોને માત્ર ને માત્ર ઘરે જ બેસવાની સૂચના છે, ચાર જણથી વધારે ક્યાંય કોઇને ભેગા થવાનું નથી, તો પછી આવી પરવાનગી આપીને ખુદ સરકારની જ સૂચનાનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદ ઊઠી છે. હવે આ 203 એકમો ચાલુ થઇ જતાં કામ કરનારા 8500 કામદારો ઉપરાંત 626 વાહનો આ રસ્તા પર જ નીકળવાના છે, ત્યારે જ્યાંથી પણ પસાર થશે ત્યારે સ્વભાવિકે પોલીસ સાથે ચકમક થતી હોય છે અને બધા પાસ બનાવે છે એવું માનીને પોલીસ કર્મચારીઓ પણ કંટાળીને જવા દેતા હોવાનાં દૃશ્યો જોવા મળે છે. આવી સ્થિતિમાં કલેક્ટર દ્વારા વ્યવહારુ ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઊઠી છે. 


બ્રોમીન ભરેલી ટ્રકો શું આવશ્યક સેવામાં છે ?  ભુજ, તા. 4 : લોકડાઉન વચ્ચે નખત્રાણાની બજારો બંધ પડી છે ને આ જ બજારો વચ્ચેથી હાજીપીરના રણમાંથી બ્રોમીન કે નમક ભરેલી આર્ચિયન કંપનીની ટ્રકોની કતારો પસાર થતી જોઇને નાના વેપારીઓએ સવાલ ઉઠાવ્યા હતા કે, મીઠું કદાચ ખાદ્ય ચીજ તરીકે જરૂરી હોય પણ બ્રોમીન શું આવશ્યક સેવામાં આવે છે ? 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer