દાખલ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવી શકે

ભુજ, તા. 4 : લોકડાઉન જાહેર કરાયાને 15 દિવસ થવા આવ્યા છે ત્યારે કોરાનાને લગતા શંકાસ્પદ કે પોઝિટિવ કેસનો કયાંય કોઇ વધારો નહીં થતાં રાહતના સમાચાર મળ્યા છે, બીજી બાજુ હજયાત્રી મહિલાનો પોઝિટિવ કોરોના છે તેમને સંભવત: કાલે નેગેટિવ હેવાલ આવી શકે છે તેવી શક્યતા છે. મહિલા દાખલ થયાને 10 દિવસથી વધુનો સમય પસાર થઇ ચૂકયો છે અને સ્વસ્થ તબિયતને જોતાં તબીબી વર્તુળોમાંથી મળેલી વિગતો પ્રમાણે રાહતના સમાચાર આવી શકે તેમ છે. તો બીજી બાજુ કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 1195 વ્યકિતઓનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 36149 લોકોનું ક્રીનિંગ કરાયું છે.   જેમાંથી અત્યાર સુધીમાં 18 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. હાલમાં 1 કેસપોઝીટીવ છે. છેલ્લા ચોવીસ કલાકમાં એક  શંકાસ્પદ કેસ નોંધાયો છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે, આમ અત્યાર સુધીમાં કુલ 16 વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 6365 લોકોને કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓઁને તંત્ર દ્વારા 14 દિવસના કવોરેન્ટાઇન પિરિયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 301 જેટલા વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ 6365માંથી 6327 વ્યક્તિઓને ઘરમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 2181 ઇન્સ્ટિટયુશનલ કવોરેન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 38 વ્યકિતઓને કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. 47 વ્યક્તિઓને કવોરેન્ટાઈનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે શરૂ કરવામાં આવેલા હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 1233 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે.  કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારથી શરૂ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 21,77,423 લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 1233 વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં 98.04 ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો હોવાનું એક યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer