બેંકનાં કામો મુજબ છૂટછાટ આપવા માંગ

ભુજ, તા. 4 : લોકડાઉનને પગલે કચ્છમાં નગરપાલિકા વિસ્તારમાં વધુ કડક અમલવારી કરાવવા કલેકટર દ્વારા શુક્રવારે બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામામાં નાગરિકોનો બેંક સમય સાચવવામાં નથી આવ્યો તેવી ફરિયાદ ઊઠી છે. જો કે, તંત્રે સ્પષ્ટતા કરી છે કે હવે એ.ટી.એમ.નો ઉપયોગ કરવામાં આવે છે એટલે તકલીફ નહીં પડે.જાહેરનામા મુજબ શહેરોમાં 7થી 11 અને સાંજે 5થી 7 વાગ્યા દરમ્યાન જ લોકોને બહાર નીકળવાની, તેમાં પણ બે પૈડાંવાળાં વાહન ઉપર એક જ વ્યક્તિ, મોટરમાં ત્રણ જણને છૂટ આપવામાં આવી છે. આ બાબતે કેટલાક વરિષ્ઠ તેમજ જાગૃત નાગરિકોએ સૂચનો કર્યાં હતાં.કેટલાક લોકેએ જણાવ્યું હતું કે સવારે 7થી 11 દરમ્યાન બહાર નીકળવા જણાવાયું છે પરંતુ બેંકો જ મોડી ખૂલતી હોવાથી 11 વાગ્યા સુધીમાં કેઇ બેંકિંગ ક્ષેત્રનાં કામો થઇ શકે નહીં. વળી સાંજે તો આમેય કામકાજ બંધ રહે છે. તો બેંકના કામ કયારે નિપટાવવા તેવા સવાલ ઉઠયા હતા. બેંકો ખૂલતાંની સાથે જ તુરંત કોઇના કામ સ્વાભાવિકે થાય નહીં, લાઇનમાં ઊભા રહેવું પડે. આમાં જ 11 વાગી જાય, તો 11 વાગ્યા પછી બહાર નીકળવાની મનાઇ ફરમાવવામાં આવતાં થોડી વિચારણા કરી 12 વાગ્યા સુધી છૂટ આપવામાં આવે તેવી શહેરીજનોએ માંગ કરી હતી. આ મુદ્દે પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવતાં જાણવા મળ્યું કે આ તો રાજ્યવ્યાપી માર્ગદર્શિકા છે. વળી બેંકમાં રૂબરૂમાં કામ ઓછા જ કરવાના છે, મોટા ભાગે નાણા ઉપાડવા એ.ટી.એમ. અથવા ચેક નાખવા બોકસનો ઉપયોગ કરવાનો હોય છે, તેમ છતાં ઉચ્ચ કક્ષાએથી માર્ગદર્શન મેળવવાની ખાતરી અપાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer