નાગોરમાં જાનલેવા હુમલો : બે આરોપી દબોચાયા : એક ફરાર

ભુજ, તા. 4 : ગઇકાલે રાત્રે નાગોર ગામમાં ત્રણ શખ્સે દારૂ પીને ગ્રામજનોને ગાળો આપી બે ઇસમ ઉપર જાનલેવા હુમલો કર્યો હતો. ધાર્મિક લાગણી દુભાય તેવી આરોપીએ ટિપ્પણી કરતાં મારામારીના પગલે પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ આ કેસ અંગે દોડી ગયેલી પોલીસ પર સરપંચપતિ તરીકે પોતાની ઓળખ આપી દારૂ પીધેલી હાલતમાં રોફ જમાવનાર બે શખ્સનેય પોલીસે પાંજરે પૂર્યા હતા. નાગોરના બસ સ્ટેશન પાસે ગઇકાલે રાત્રે નવ વાગ્યા આસપાસ થયેલા આ ઝઘડા અંગે બી-ડિવિઝન પોલીસ મથક પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પુષ્પગિરિ હેમરાજગિરિ ગોસ્વામીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ એવા રાજા અજિત જત (રહે. નાગોર) તથા રફીક લાખા તેમજ સુલતાન આમદ લંઘા (રહે. બંને ભુજ)એ નશામાં ધૂત થઇને ગ્રામજનોને ગાળો આપી હતી અને ધાર્મિક લાગણી દુભાય તેવો બકવાસ કરતાં આવું ન કરવાનું પુષ્પગિરિએ કહેતાં તેની સાથે મારામારી કરી હતી. આરોપીઓએ ફરિયાદીના માથામાં ધોકા મારી જાનલેવા હુમલો કર્યો હતો. આ ઝઘડામાં દરમ્યાનગીરી કરી છોડાવવા જતા વાસુદેવ ગોસ્વામીને માર પડયો હતો.આ ઝઘડાની જાણ થતાં રાત્રે બી-ડિવિઝન પોલીસ સ્ટાફે?ઘટના સ્થળે દોડી જઇ આ કામના આરોપી રાજા અજિત જત અને સુલતાન આમદ લંઘાની ધરપકડ કરી લીધી છે. જ્યારે  અન્ય એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં છે.બીજી તરફ આ મારામારી સંદર્ભે પોલીસ ટીમ નાગોર આરોપીના ઘરે પહોંચી ત્યારે નાગોર ગામના સરપંચપતિ અરવિંદ રામજી કાતરિયા તથા તેની સાથે પંચાયત સભ્ય પ્રવીણગર વિશ્રામગર ગુંસાઇ દારૂ પીધેલી હાલતમાં આવી પોલીસ સ્ટાફને કહ્યું કે, આરોપીઓને નહીં પકડો તો પોલીસ વાનને ગામથી બહાર નીકળવા નહીં દઇએ અને બંને પોલીસની ગાડી આગળ ઊભા રહી ગયા હતા. પોલીસની કામગીરીની ફરજમાં રૂકાવટ અને પ્રોહિ. એક્ટ તળે આ બંને આરોપીઓની પણ પોલીસે ધરપકડ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer