તંત્ર દ્વારા પાસ કાઢી ન અપાતાં શ્રમજીવીની રોજીરોટી છીનવાઇ

ભુજ, તા. 4 : કોરોના વાયરસે અનેક લોકોના જીવન દોહ્યલા બનાવી મૂક્યા છે. તેવામાં લોકડાઉનના પગલે શહેરના ભીડનાકા પાસે છેલ્લા 40 વર્ષથી શાકભાજી વેચતી મહિલાને તંત્ર દ્વારા પાસ કાઢી ન અપાતાં સાત જણના પરિવારનો જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલીભર્યું બન્યું છે. ભીડનાકા પાસે પટમાં બેસી 40 વર્ષથી શાકભાજી વેંચી લકવાગ્રસ્ત પતિ તથા બે છોકરી-ત્રણ છોકરા સહિતના પરિવારનું ગુજરાન ચલાવતા સવિતાબેન પટ્ટણીએ કચ્છમિત્ર સમક્ષ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં એક જ જગ્યાએ બેસી શાકભાજી વેચવા પર પ્રતિબંધ લગાવાયો છે. પરંતુ હું ડાયાબિટીસની દર્દી હોવાથી શાકભાજીની લારી ખેંચી શકું તેવી હાલત નથી. તેમ પોલીસ પણ શાકભાજી વેચવા દેતી નથી અને પાસ બતાવવા કહે છે, પરંતુ પાસ માટે મામલતદાર કચેરીના ધક્કા ખાઇને થાકી ગઇ છું. ત્યાં પાસ આપવાનું બંધ છે તેમ જણાવાય છે. તેથી હવે ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન છે. સરકાર તરફથી રાશનમાં પાંચ-પાંચ કિલો ઘઉં-ચોખા અપાયા સિવાય કોઇ સહાય મળી નથી. છેલ્લા છ માસથી પતિ બેપગે લકવાગ્રસ્ત છે, ત્યારે સવિતાબેન પર આવી પડેલી આફત પર તંત્ર કૂણું વલણ દાખવી પાસ કાઢી આપે તો સાત-સાત જીવની જીંદગી બચી શકે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer