મારી ક્વોરેન્ટાઈનની મુદ્દત પૂરી થઈ કોરોનામુક્ત છું તેવું સર્ટિ. આપો

ગાંધીધામ, તા. 4 : વિશ્વભરની સાથોસાથ જીવલેણ કોરોના વાયરસ ગુજરાતમાં પણ તેનો પગદંડો મજબૂત બનાવી રહ્યો છે. સદનસીબે કચ્છમાં હજુ સુધી એક જ પોઝિટિવ કેસ છે અને શંકાસ્પદ દર્દીઓ પણ નોંધાયા નથી, પરંતુ બહારથી આવેલા હજારો લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. જેમાં ગાંધીધામ આદિપુરમાં પણ સેંકડો લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.દરમ્યાન આજે રામબાગ હોસ્પિટલમાં વિદેશ પ્રવાસ ખેડી આવેલા યુવાને 14 દિવસ પૂરા થયા હોવાનું કહી પ્રમાણપત્ર આપવાની માંગ કરતા આશ્ચર્ય પ્રસર્યું હતું. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આજે સવારના 11.30 વાગ્યાના અરસામાં રામબાગ હોસ્પિટલ સ્થિત તાલુકા આરોગ્ય કચેરી ખાતે યુવાન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 104 નંબરમાંથી ફોન આવ્યો હતો કે હોસ્પિટલમાં તપાસ કરાવી પ્રમાણપત્ર મેળવી લ્યો. યુવાનની આ વાત સાંભળી તબીબોને આશ્ચર્ય થયું હતું. થાઈલેન્ડથી આવેલા આ યુવાને ફરી 104માં ફોન કર્યો હતો ત્યારે તેને કહેવાયું કે તપાસ કરાવી લ્યો.બાદમાં આ યુવાને પ્રમાણપત્રની માગણી પડતી મૂકી અને મેડિકલ તપાસ કરવા કહ્યું હતું. ફરજ પરના તબીબે લોકડાઉન હોવા છતાં ઘરની બહાર કેમ નીકળ્યા તેવો સવાલ કરી 14 દિવસ પછી પણ ઘરની બહાર નીકળવાનું નથી તેવી નસીહત આપી હતી અને તમારી તબીબી તપાસ ઘરે થશે તેવું કહી યુવાનને પરત મોકલ્યો હતો. આજે જ્યારે તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવે છે તો 104માંથી શા માટે હોસ્પિટલ જવાની સૂચના અપાય છે તેવો સવાલ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલાં સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer