નખત્રાણામાં પોલીસ જવાન પર હુમલો કરી તંગદિલી ફેલાવનારાઓની ધરપકડ

ભુજ, તા. 4 : ગઈકાલે નખત્રાણામાં લોકડાઉનની અમલવારી માટેની કાર્યવાહી દરમ્યાન બિસ્મીલા હોટેલની પાછળ મુસ્લિમવાસ ઈમામ ચોક પાસે ટોળે વળેલાઓ નજીક પોલીસ પહોંચતાં નાસ-ભાગ થઈ હતી, જેમાં એક આરોપી સલીમ જુમા પીંજારા ઝડપાઈ ગયો હતો, ત્યારબાદ થોડા સમય પછી પોલીસ જવાન પર સલીમની ધરપકડનો મનદુ:ખ રાખી 20થી 25 જણાના ટોળાએ હલ્લો બોલાવી હુમલો કરી તંગદિલી ફેલાવી હતી. જેના પગલે નખત્રાણા પોલીસે આ કામના અઢાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ આરોપીઓ પેકી બેથી ત્રણ રીઢા ગુનેગાર છે અને તેઓનાં નામ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકયાં છે. આ ચકચારી બનાવ અંગે નખત્રાણા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી ઈશા જુમા પીંજારા, ઈકબાલ આમદ પીંજારા, આમદ જુમ્મા પીંજારા, ઓસમાણ અલીમામદ નારેજા, મામદ અલીમામદ કુંભાર, ઈબ્રાહિમ આમદ પીંજારા, અલ્તાફ જાનુમામદ ખલીફા, સોહિલ અબુબકર આરબ, ઈરફાન જકરિયા કુંભાર, સદામ જકરિયા કુંભાર, મામદ ઈશાક કુંભાર, આરીફ ઈશાક કુંભાર, અબ્દુલ ફકીરમામદ કુંભાર, સિદિક અબ્દુલા કુંભાર, હાજી લિયાકત અબ્દુલ્લા આરબ, દાઉદ અલીમામદ નારેજા, અદ્રેમાન ઉમર કુંભાર અને સાજિદ લિયાકત આરબ રહે. તમામ નખત્રાણાની ધરપકડ કરી લેવાઈ હતી. આ ઉપરાંતના બીજા પાંચથી સાત અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી છે. આ અંગે ફરિયાદી અનુસૂચિત જાતિના હિતેશભાઈ અમૃતલાલ ગરવાએ લખાવેલી વિગતો મુજબ, સલીમની ધરપકડનું મનદુ:ખ રાખીને 20થી 25 જણના ટોળાએ ગેરકાયદે મંડળી રચી ફરિયાદી તેમજ યુવરાજસિંહ અનિરુદ્ધસિંહની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરીને મારો-મારો તેવી બૂમો પાડી હુમલો કરી તંગદિલી ઊભી કરી હતી અને યુવરાજસિંહની મોટર સાઈકલ નં. જી. જે. 12 એ.એચ. 427વાળીમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer