લોકડાઉનમાં નખત્રાણાથી જૂનાગઢ મજૂરો પહોંચાડવાના કારસાનો પર્દાફાશ

ભુજ, તા. 4 : લોકડાઉન વચ્ચે જીપ આગળ `ઓનડયૂટી પીજીવીસીએલ' લખી નખત્રાણાથી 10 મજૂર જૂનાગઢ પહોંચાડવાનો કારસો સામે આવ્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ અગાઉ જૂનાગઢની સાબલપુર ચોકડી પાસે મજૂરોથી ભરેલી જીપ ઝડપાઇ હતી અને જૂનાગઢ પોલીસે જીપચાલક આરોપી અશર્રફ જમાલ ઇશાકાણી (રહે. પાલડી, વેરાવળ) સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી નખત્રાણા પોલીસને જાણ કરી હતી. આથી નખત્રાણા પીજીવીસીએલના નાયબ ઇજનેર આર.જી. ચૌધરીએ જી.જે. 12 ટીટી-0837ના બોલેરો જીપચાલક અશર્રફ સામે જીપ પર `ઓન ડયૂટી પીજીવીસીએલ' લખવા બદલ વીજતંત્રના નામનો દુરુપયોગ કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. શ્રી ચૌધરીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આ જીપ પીજીવીસીએલની જીપ નથી, પરંતુ કોન્ટ્રાક્ટર કાદર જમાલ તવાણીના કોન્ટ્રાક્ટ હેઠળ લાઇન વર્કની કામગીરીમાં વપરાતી હતી. લોકડાઉનના લીધે કામ ઠપ હોઇ લાઇન વર્કમાં વપરાતી જીપમાં 10 મજૂરોને લઇને આરોપી જીપચાલક અશર્રફ નખત્રાણાથી જૂનાગઢ પહોંચાડવા નીકળ્યો હતો અને ઝડપાઇ જતાં આ કારસો સામે આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer