પોલીસ કડક છતાં લોકો બહાર નીકળે છે

ભુજ/ગાંધીધામ, તા. 4 : લોકડાઉનની અમલવારી માટે પોલીસ સખત બની છે. આમ છતાં પણ લોકો બહાર નીકળી રહ્યા છે. આજે પશ્ચિમ કચ્છમાં પોલીસે 39 કેસો કર્યા છે અને કુલ 155 જેટલા વાહન અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ કચ્છ-પોલીસે પણ કડક રૂખ અપનાવી જાહેરનામાનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ભુજ, મુંદરા અને નખત્રાણા પોલીસ મથકના  અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી અને લોકોને ઘરની અંદર રહેવા માટે સમજ અપાઇ હતી તેમજ નોવેલ કોરોના વાયરસ સંક્રમણ નિયંત્રણ માટે પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના  જે લોકોને હોમ ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે તેઓને પોલીસ દ્વારા ટીમ બનાવી રોજે રોજ ચેક કરવામાં આવી રહ્યા છે.  ગઢશીશા ગામે પોલીસ બેન્ડની સૂરાવલી દ્વારા લોકોને  મનોરંજન કરી પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયા દ્વારા તકેદારી સંદેશાઓ પાઠવવામાં આવ્યા હતા. તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં  83 જેટલા વરિષ્ઠ નાગરિકોની પોલીસ દ્વારા મુલાકાત કરી તેમની સારસંભાળ  લઇને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી અને કોઇ તકલીફ હોય તો તુરત જ પોલીસનો સંપર્ક કરવા સૂચન કરવા જણાવાયું હતું. તેમજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રિલાયન્સ ગ્રુપના સહયોગથી માધાપર જોગીવાસ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને  રાશન કિટનું  વિતરણ થયું હતું. ભુજનાં નેત્રમના સીસી ટીવી કેમેરાની મદદથી ત્રણ જાહેરનામાના ભંગના કેસ નોંધાયા હતા. દરમ્યાન માહિતી ખાતાની યાદી મુજબ એપેડેમિક રેગ્યુલેશન 2020 હેઠળ ધારા 188ના ભંગ બદલ ગઇકાલ સુધી કુલ 56 વ્યકિતઓ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી અને રૂા. 89,100 જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 129 જેટલી વ્યકિતઓની ધરપકડ થઇ છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 297 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. આ વિગત સાંજના ચાર વાગ્યા સુધીની હોવાનું યાદીમાં જણાવાયું છે. દરમ્યાન પૂર્વ કચ્છના આદિપુરનાં પાંચવાળી વિસ્તારમાં સોનલમાતાના મંદિર પાસે બેઠેલા પાંચ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. ભચાઉના રોટરી ક્લબ ભવાનીપુર ચાર રસ્તા પાસેથી બેની ધરપકડ કરવામાં આવી હતી. અંજારના ચાંદરાણીમાં વગર કારણે નીકળેલા એક શખ્સની અટક કરાઈ હતી તેમજ ગાંધીધામની જૈન સમાજવાડીની બાજુમાં વિકાસ એપાર્ટમેન્ટ પાસે વગર કારણે એકઠા થયેલા પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગ ઉપર શિવકૃપા આઈમાતા હોટેલ પાસેથી ચાર શખ્સોની અટક કરાઈ હતી. અંજારના સવાસર નાકા પાસેથી પાંચને દબોચી લેવામાં આવ્યા હતા. અંજારના જ 12 મીટર રોડ ઉપર પ્લાસ્ટિકની દુકાન ચાલુ રાખનાર વેપારીને પકડી પાડવામાં આવ્યો હતો. ગાંધીધામના અપનાનગર ચાર રસ્તા પાસેથી બે શખ્સોને દબોચી લેવાયા હતા. 9બી ચાર રસ્તા રામબાગ રોડ પરથી પણ બે શખ્સોની અટક કરાઈ હતી તેમજ એફસીઆઈ નજીક રમણ ચોરાહા હનુમાન મંદિર પાસેથી ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.તો ફોનની મદદથી ગુ.હા. બોર્ડ નજીકથી 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી તેમજ કિડાણા અંતરજાળ માર્ગ પરથી પણ ચાર શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા. મીઠી રોહર ગામના બસ સ્ટેન્ડ પાસેથી પાંચ શખ્સોને પકડી લેવાયા હતા. કંડલામાં હાજીયાણી દરગાહના ગેઈટ પાસેથી ચારની અટક કરાઈ હતી. રાપરના સુખડધાર તથા જકાતનાકા પાસેથી 4-4ની ધરપકડ કરવામાં આવી હતી. દરમ્યાન સોશ્યલ મીડિયા ઉપર કોઈ પણ પ્રકારની અફવા ફેલાવનારાઓ ઉપર પોલીસ નજર રાખી રહી છે. સીસીટીવી કેમેરાની મદદથી પણ ગુના નોંધાઈ રહ્યાં છે. પોલીસે 39 વરિષ્ઠ નાગરિકોનો સંપર્ક કરી કોઈ જરૂરિયાત ઉભી થાય તો સંપર્ક કરવા બાંહેધરી આપી હતી. રૂા. 92,700નો દંડ વસૂલી 149 વાહનો આજે પૂર્વ કચ્છમાં ડીટેઈન કરવામાં આવ્યાં હતાં.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer