ગાંધીધામમાં હજુ 115 લોકો હોમ કવોરેન્ટાઇન

ગાંધીધામ, તા. 4 : કોરોના વાયરસને નાથવા માટે ગાંધીધામ તાલુકા આરોગ્ય તંત્રની સાથે વહીવટી તંત્ર અને સ્વયંસેવી સંસ્થાઓ સહયોગ આપી રહી છે.  ગાંધીધામમાં ક્લિનિકલી અને હોમ કવોરેન્ટાઇન કરેલા લોકોમાંથી અનેકને મુક્તિ આપવામાં આવી છે. હજુ પણ 100થી વધુ લોકો કવોરેન્ટાઇન થયેલા છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાના જણાવ્યા પ્રમાણે તાલુકામાં વિદેશથી અને જ્યાં  કેસો આવેલા છે ત્યાંથી આવેલા 244 જણને હોમ કવોરેન્ટાઇન કરાયા હતા.આ તમામ લોકોની આરોગ્ય ટીમ અને આર.બી.એસ.કે.ના ડોકટરો દ્વારા રોજ મુલાકાત લેવાઇ હતી અને લક્ષણો ન દેખાતાં 14 દિવસના અંતે 129 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. હજુ 115 લોકો હોમ કવોરેન્ટાઇન છે. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 36 લોકોને લીલાશાહ કુટિયામાં ઇન્સ્ટિટયુશનલ કવોરેન્ટાઇન કરાયા હતા. તે પૈકી 29 જણને મુક્ત કરી તમામને નવી માર્ગદર્શિકા મુજબ વધુ 14 દિવસ ઘરમાં જ રહેવા સૂચના આપવામાં આવે છે. હજુ સાત જણ લીલાશાહ કુટિયા ખાતે રાખવામાં આવ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું  હતું કે, ગાંધીધામ તાલુકામાં અત્યાર સુધી ચાર જણના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતા આઠ દર્દીઓને ભુજ રીફર કરી  તેમના સંપર્કમાં રહલા 75 જણને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. તાલુકાના આશા બહેનો, આંગણવાડી સ્ટાફ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે સર્વેની કામગીરી કરાઇ છે. તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા લોકોને સંપૂર્ણ રીતે લોકડાઉનનું અમલીકરણ કરવા તાકીદ કરવામાં આવી છે. રૂમાલને દરરોજ બદલાવવો, કપડાં ઘરે જઇને લટકાવવાના બદલે સીધા ધોવામાં નાખી દેવા, ઘરમાં જતાં પહેલાં સેનિટાઇઝર, સાબુ કે લિક્વિડ શોપથી હાથ ધોવા અનુરોધ કરાયો છે. બીજા રાજ્યમાંથી આવેલા લોકો અંગેની જાણકારી આપવા સ્થાનિક લોકોને અપીલ કરાઇ છે.   લેકોએ ડર ન રાખી આવા લોકો સામે તિરસ્કારની ભાવના ન રાખવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer