વડલીમાં વાછરડાની કતલ : પોલીસ જોઈ ચાર આરોપીઓ નાસ્યા

ભુજ, તા. 4 : તાલુકાના વડલી ગામ પાસેના કબ્રસ્તાન નજીકથી ગઈકાલે ગૌવંશના વાછરડાનું માંસ ખાવડા પોલીસે પકડી પાડી વાછરડાની કતલ કરી નાસી જનારા ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહીનાં ચક્રો ગતિમાન કર્યાં છે. પોલીસની ગાડી જોઈને આરોપીઓ નાસી છૂટયા હતા. હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં ખાવડા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગઈકાલે રાત્રે પોલીસને બાતમી મળી હતી કે, વડલી ગામના કબ્રસ્તાન પાસેની ખુલ્લી જગ્યામાં ચાર ઈસમો ગૌવંશના વાછરડાની કતલ કરી રહ્યા છે, જેથી પોલીસે ઘટના સ્થળે જઈ દરોડો પાડતાં વાછરડાનું 25 કિલ્લો માંસ, ગૌવંશના કતલ માટે ઉપયોગમાં લીધેલું દોરડું, કુહાડી તથા છરા નંગ-2 અને મોટરસાઈકલ નંગ-2 તેમજ મોબાઈલ ફોન-1 આમ કુલ્લે રૂા. 42,850નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને દૂરથી જ પોલીસની ગાડી જોઈ કાંટાળી ઝાડીમાં નાસી ગયા હતા.આ કામના આરોપીઓ મારૂફ મલુક પઠાણ (વાંઢા), હસન સિદ્ધિક પઠાણ (વાંઢા) રહે. બન્ને વરલી તથા અલાના સુલેમાન ઉર્ફે મલુક પઠાણ (વાંઢા) રહે. મૂળ કાઢવાંઢ હાલે વરલી તેમજ દીના હાલેપૌત્રાનો પુત્ર રહે. કરનાવલી વિરુદ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ, પશુ ક્રૂરતા-ઘાતકીપણાને પ્રતિબંધિત કરતા વિવિધ કાયદાની કલમો તળે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. આ કામગીરીમાં ખાવડા પીએસઆઈ પી. એચ. કછવાહ, એએસઆઈ કરણસિંહ ઝાલા, બ્રિજેશભાઈ યાદવ, વિક્રમસિંહ શેખાવત, મુકેશકુમાર સાધુ, હેડ. કોન્સ. માણેકભાઈ ગઢવી, કોન્સ. અગરાભાઈ ચૌધરી, મહીપતસિંહ વાઘેલા, માલદેભાઈ સોલંકી, પ્રકાશભાઈ ચૌધરી, દીપકભાઈ ચૌધરી તથા રાયબજી સોઢા વિગેરે જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer