ભુજના પેટ્રોલપંપ પર હવા ભરવાની સગવડ જ નથી !

ભુજ, તા. 4 : કચ્છમાં લોકડાઉનના જાહેરનામા વચ્ચે લોકો નવી નવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક તરફ અત્યારે દ્વિચક્રી જરૂરી ચીજવસ્તુ માટે મહત્ત્વનું સાધન બની રહ્યું છે ત્યારે પંકચરની દુકાનો તો ઠીક પણ હવા ભરાવવાની પણ સુવિધા ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે.નાગરિકોએ અહીં રોષ સાથે જણાવ્યું હતું કે પેટ્રોલપંપ ચલાવતી એજન્સીએ ગ્રાહકો માટે વાહનમાં હવા, પીવાનાં પાણીની સુવિધા રાખવી ફરજિયાત છે. પરંતુ ભુજ નજીકના ઘણા પેટ્રોલપંપમાં જાણી જોઈને કર્મચારીનો પગાર બચાવવા માટે હવા ભરવાનાં મશીન પર `પંપ બંધ છે' જેવા બોર્ડ મારી દે છે. આ સંજોગોમાં લોકોને હવા ભરાવવા માટે નાછૂટકે રૂપિયા ખર્ચવા પડે છે, પરંતુ અત્યારે પંકચર કાઢવા કે હવા ભરાવી શકાય તેવી દુકાનો પણ બંધ છે. ખરેખર પુરવઠા તંત્રે હવા ભરવાની સગવડ માટે નિયમસર પેટ્રોલપંપને તાકીદ કરવી જોઈએ, તો આ માટે ચૂંટાયેલા સભ્યોએ પણ વહીવટી તંત્રનું ધ્યાન દોરવું જોઈએ.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer