કોરોના સામેની લડાઇમાં ભુજના લોકોના સહયોગને બિરદાવતું આઇએમએ

ભુજ, તા. 4 : કોરોના વાયરસથી ઊભી થયેલી વૈશ્વિક મહામારીને ધ્યાનમાં લઇને શહેરના તમામ તબીબો સમગ્ર જનતાની આરોગ્ય સુખાકારી માટે ખૂબ જ ચિંતિત છે અને આપણા કચ્છમાં આ રોગ ન ફેલાય તે માટે જનતા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોને  આવકારે છે એમ ઇન્ડિયન મેડિકલ એસો.એ એક યાદીમાં જણાવ્યું હતું. ભુજના તબીબોએ ખાતરી આપી છે કે, આરોગ્યસેવાઓમાં ખલેલ નહીં પડે. ભુજ શહેરના આઇએમએના તમામ તબીબો તેમની હોસ્પિટલોમાં સતત કાર્યશીલ છે અને બધી જ તાત્કાલિક અને જરૂરી આરોગ્યસેવા આપી રહ્યા છે,  ત્યારે દર્દીઓને લોકડાઉન-સોશિયલ ડિસ્ટન્સિંગનું  પાલન કરવા અપીલ કરી છે. કોરોના સંક્રમણના જોખમને અનુલક્ષીને અનુરોધ કરવામાં આવ્યો છે કે માત્ર અને માત્ર ઇમરજન્સી હોય તેવા જ દર્દીઓએ ડોક્ટરને બતાવવા જવું, તે પહેલાં તમારા ડોક્ટર પાસેથી ટેલિફોનિક અભિપ્રાય લઇને પછી જ સારવાર માટે જવા વિનંતી. જો તમને તાવ સાથે ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય અને જો તમે વિદેશથી આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હો તો હોસ્પિટલે જઇને ડોક્ટરને બતાવવું તેમજ દર્દી સાથે દવાખાને ફકત એક જ સગાએ જવું  અને રોકાવું, હોસ્પિટલમાં રૂબરૂ ખબર કાઢવા જવાનું બંધ કરવું, હોસ્પિટલમાં દર્દી સાથે રહો ત્યારે તમારી પણ સંભાળ રાખો, બિનજરૂરી જગ્યા જેવી કે દાદરાની રેલિંગ, દીવાલ, ખુરશી, ટેબલ, પલંગ પર હાથ લગાવશો નહીં. હાથને વારંવાર સાબુથી ધોવાનું રાખો. આ બધા ઉપાયોથી  સરકાર અને આરોગ્ય તંત્રના પ્રયાસોમાં  સહકાર આપીશું તો કોરોના સામેનો જંગ જીતશું, એમ યાદીએ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer