ગાંધીધામ સંકુલમાં પાન, ગુટખા, ચા બધુંય બંધ, પણ શરાબ મળે છે !

ગાંધીધામ, તા. 4 : લોકડાઉન વચ્ચે પણ પૂર્વ કચ્છના તેમાંય ખાસ કરીને ગાંધીધામ-આદિપુર-અંજાર સંકુલમાં હજુ પણ દેશી-અંગ્રેજી શરાબ મળતો હોવાની ફરિયાદો લોકોમાં ઉઠી છે. હાલમાં શહેરના હીરાલાલ પારેખ સર્કલ પાસેથી એક મહિલાને શરાબની બોટલ સાથે પકડી પાડવામાં આવી હતી. કોવિડ-19 કોરોના વાયરસના પગલે સમગ્ર દેશની સાથે અહીં પણ લોકડાઉન છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાયની દુકાનો બંધ છે. પરંતુ દેશી-અંગ્રેજી શરાબના ધંધાર્થીઓને લોકડાઉન નડતો ન હોય તેમ અહીં અમુક જગ્યાએ શરાબની ડિલિવરી કરવામાં આવતી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.ગાંધીધામના કાર્ગોના જુદા-જુદા વિસ્તાર ઝોનની આસપાસની બાવળની ઝાડીઓ, ગુ.હા.બોર્ડ વિસ્તાર, કિડાણાની અમુક સોસાયટીઓ, ખોડિયાર નગર, સુભાષનગર પાસે આવેલો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર, અંજારના મેઘપર, કુંભારડીમાં આવેલી જુદી-જુદી ઝુંપડપટ્ટી સુંદરપુરી,આદિપુરના બસ સ્ટેન્ડ આસપાસ વગેરે વિસ્તારોમાં દેશી દારૂની ડિલિવરી હજુ પણ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.અન્ય ધંધાર્થીઓને લોકડાઉનના નિયમો નડે છે ત્યારે આવા ધંધાર્થીઓને લોકડાઉન ન નડતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.હાલમાં ગાંધીધામના હીરાલાલ પારેખ સર્કલ પાસેથી પોલીસે સીમાબેન ઉર્ફે વર્ષા નરેન્દ્ર પટેલ નામની મહિલાને પકડી પાડી હતી. આ મહિલાના મોપેડ નંબર જી.જે. 12-1866માંથી શરાબની એક બોટલ જપ્ત કરવામાં આવી હતી. તેમજ બે દિવસ અગાઉ અંજારમાં પણ ફિલ્મી ઢબે શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પ્યાસીઓની માંગ પૂરી કરનારા આ ધંધા હજુ પણ યથાવત હોવાનું આવા બનાવો પરથી ફલિત થાય છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer