આદિપુરમાં 11 વાગ્યા બાદ પણ કાર-દ્વિચક્રી વાહનોની અવરજવર ચાલુ રહી

ગાંધીધામ, તા. 4 : જીવલેણ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં ત્રણ સપ્તાહના લાગુ કરાયેલાં લોકડાઉનના અમલીકરણને વધુ કડક બનાવવા નગરપાલિકા વિસ્તારમાં વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મુક્તિના સમયમાં પણ કડક નિયમો અમલી કરાયા છે, પરંતુ જાહેરનામાનો ભંગ કરવાનો આદિપુરના લોકોએ નિયમ લીધો હોય તેમ બપોરે વાહનોની અવરજવર નજરે પડી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા શહેરી વિસ્તારમાં સવારે 11થી પાંચ વાગ્યા સુધી કાર અને બાઈક ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને સવારે 7થી 11ના મુક્તિના સમયમાં દ્વિચક્રી ઉપર એક જ ચાલક અને કારમાં ત્રણ જણાએ સવારી કરવી, પરંતુ આજે આદિપુરના અનેક વિસ્તારોમાં બપોરે 12 વાગ્યાના અરસામાં પણ રામબાગ રોડ, મૈત્રી રોડ સહિતના વિસ્તારમાં કાર અને બાઈક દોડતાં જણાયાં હતાં.બાઈક ઉપર મુક્તિના સમયમાં પણ એક જ વ્યક્તિ ચાલકને છૂટ છે, પરંતુ બપોરે 12 વાગ્યાના અરસામાં પણ ડબલ સવારી તો ઠીક ત્રણ સવારી બાઈક સવારો નજરે પડયા હતા. લોકડાઉનના અમલીકરણમાં પણ લોકોની અવરજવર ચાલુ જ રહી હતી. કોરોના વાયરસના સંક્રમણના એક પણ શંકાસ્પદ કેસ નથી અને એક જ પોઝિટિવ કેસ છે તેમ માનીને જાહેરનામાનો ભંગ કરી લોકો ભૂલ કરે છે. લોકોએ આ દિશામાં સ્વયંશિસ્ત જાળવવું પડશે તેવો જાગૃત નાગરિકો મત વ્યક્ત કરી રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer