શિક્ષકનું સામાજિક મૂલ્ય વધતાં શિક્ષણ વધુ જીવંત બનશે : પરિસંવાદ યોજાયો

ભુજ, તા. 21 : ભારત સરકારે વર્ષ 2015માં રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ નિર્ધારિત કરવા આયોગની રચના કરી હતી. આ આયોગના અધ્યક્ષ ડો. કસ્તુરી રંગરાજને  પોતાનો રિપોર્ટ ગત વર્ષે સરકારને સુપરત કરતાં ભારત સરકાર આ વર્ષે તેને અમલમાં મૂકવા જઇ રહી છે, ત્યારે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ કાર્યાન્વયન અંગે ચર્ચા કરવા રાજ્ય કક્ષાનો પરિસંવાદ અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં યોજાયો હતો.જીએમડીસી ઓડિટોરિયમમાં આયોજિત આ પરિસંવાદનો પ્રારંભ સ્વામિનારાયણ ગુરુકુલ, ઝુંડાલ સંત પુરુષોત્તમચરણદાસજી, શિક્ષણવિદ્ ડો. જગદીશ ભાવસાર તેમજ ઉપસ્થિત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટયથી કરાયો હતો. પરિસંવાદના પ્રારંભે અચલા ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. મફતલાલ પટેલે સ્વાગત પ્રવચન કરતાં ટ્રસ્ટનો પરિચય આપી નવી શિક્ષણ નીતિમાં જે ફેરફાર આવી રહેલ છે તે અંગે સમજણ આપી આ નીતિના અમલ અંગે પોતાના વિચારો મૂકવા ઉપસ્થિતવિદ્ને અનુરોધ કર્યો હતો. દિવસ દરમ્યાન ચાર સત્રમાં આયોજિત આ પરિસંવાદમાં ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી, ડો. આર.એસ. પટેલ, વડોદરા યુનિ.ના ડો. ઉમેશ ડાંગરવાલા, ડાયટના પૂર્વ નિયામક ડો. નલિન પંડિત, પૂર્વ શિક્ષણ નિયામક આર.સી. રાવલ, શિવાનંદ આશ્રમ, અમદાવાદના સંત આધ્યાત્મજી મહારાજ, પત્રકાર દેવેન્દ્ર પટેલ, ડો. ભરત જોષી, સંતોષભાઇ દેવધર, ડો. દિનુભાઇ શાહે ભાગ લીધો હતો. વકતાઓએ નવી શિક્ષણ નીતિમાં નૈતિક ગુણો, યોગને મહત્ત્વ આપી ગુણવત્તાસભર શિક્ષણને જે મહત્ત્વ આપવામાં આવેલ છે તેમજ શિક્ષણના વ્યવસાયમાં શિક્ષકનું સામાજિક મૂલ્ય વધતાં શિક્ષણ વધુ જીવંત બનશે. તેને આવકાર આપી આ નવી નીતિનો અમલ કરવાની જેમની જવાબદારી છે તે સરકારી વહીવટમાં આ યોજના અટવાઇ ન જાય તે જોવા નિર્દેશ કર્યો હતો.આ પરિસંવાદમાં રાજ્યના 10 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમજ શિક્ષણક્ષેત્રે સેવા આપતા 7 જેટલા સામાજિક કાર્યકરો સારસ્વત એવોર્ડ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં કચ્છમાંથી કચ્છ યુનિવર્સિટી સર્ચ કમિટી સભ્ય અને લેવા પટેલ આગેવાન આર. આર. પટેલ, સ્વામિબાપા મહિલા કોલેજ, ભુજ અને સૂર્યા વરસાણી એકેડમીના ટ્રસ્ટી આર.એસ. હિરાણી તેમજ કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઇ ખોખાણીએ ભાગ લીધો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer