વાર્તામાં આવતા વળાંક અને અંત હકારાત્મક સંદેશ આપે છે

ભુજ, તા. 4 : અહીંના છઠ્ઠીબારી મહિલા મંડળ ખાતે વાર્તા વિહાર સાહિત્યસભાની બેઠકમાં `બોન્સાઈ'માં પ્રકાશિત બંદિયા જાનીની બે લઘુકથા `ભ્રમ' અને `સરપ્રાઈઝ'ના લેખિકા દ્વારા પઠન બાદ સભ્યોએ વાર્તાનો પ્લોટ, પાત્રો, શૈલી અને અંત જેવા ઘટક વિશે ચર્ચા કરી હતી.  પ્રારંભમાં પ્રમુખ રમીલાબેન મહેતાએ નવા સભ્ય ધરતી શર્માને આવકાર આપી પોતાની વાત મૂકી હતી. નવા શરૂ કરાયેલા આયામ વિશે જણાવ્યું કે, સાત વર્ષથી સર્જકો સાથે રહીને     સર્જન કરે છે ત્યારે વાર્તા    ચોટદાર અને વાચકનાં હૈયાને સ્પર્શી શકે, માટે આ પ્રકારની ચર્ચા-સંવાદ નવા વર્ષથી શરૂ કરીએ છીએ. વાર્તા પઠન પણ એક કલા છે. કેમ ઊભવું,   બોલવું, આરોહ, અવરોહ અને રજૂઆત વિશે વાત કરી હતી. પુષ્પાબેન વૈદ્યએ વાર્તાને ચોટદાર અને અંત વિશે જુદા દૃષ્ટિકોણ દર્શાવ્યા, સુધાબેન ઝવેરી, કમલા ઠક્કર અને પ્રતિમા સોનપારે પણ `સરપ્રાઈઝ' વાર્તામાં સરપ્રાઈઝ વધારે   લંબાયું એટલે એનું હાર્દ ખોઈ   બેઠું અને વાર્તામાં ક્યાંક ગતિશીલ વિધાનોની જરૂરિયાત વિશે વાત કરી, પૂર્વીબેન બાબરિયાએ `ભ્રમ' વાર્તામાં વ્યક્ત થતો પુરુષોનો અહમ ભાવ રજૂ કરાયો છે, એવું કહીને બે-ત્રણ વાર્તાના ઉદાહરણ રજૂ    કર્યા હતા. નેણશીભાઈએ વાર્તામાં સંસારમાં બનતી ઘટના માટે માત્ર પુરુષોનો અહમ જ હોય છે એમ જણાવ્યું હતું. ખુશ્બૂ સરવૈયાએ પણ ચર્ચામાં ભાગ લઈ વાર્તાને એક-બે ઘટના ઉમેરી વધુ રોચક બનાવી શકાઈ હોત એ ભાવ રજૂ કર્યો હતો. વાર્તાકાર બિંદિયાબેને વાર્તાલેખન       સમયે પાત્રોની ગૂંથણી અને શૈલી વિશે વાત કરીને સૂચનોનો સ્વીકાર કરીને આભાર માન્યો હતો. ઉપપ્રમુખ અરુણા ઠક્કરે ચર્ચા, સૂચનોને અંતે સંકલન કરતાં જણાવ્યું કે, વાર્તામાં આવતાં વળાંકો,ઘટકની રજૂઆત અને અંતે રજૂ થતો ચોટદાર અંત સમાજને હકારાત્મક સંદેશ આપી શકે છે. મંત્રી રૂપલબેન મહેતાએ આભાર માન્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer