લોકડાઉન વચ્ચે દીનદયાળ બંદર ચાલુ રાખવાના મુદે વ્યાપારી સંસ્થાના પ્રયાસો

લોકડાઉન વચ્ચે દીનદયાળ બંદર ચાલુ રાખવાના મુદે વ્યાપારી સંસ્થાના પ્રયાસો
ગાંધીધામ, તા 3 : આ સંકુલમાં વ્યાપારીક ઉપરાંત નાગરિકોના વિવિધ પ્રશ્ને સતત સક્રિય એવી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે તાજેતરમાં વિશ્વ આખાંને લપેટમાં લેનારી કોરોના વાયરસની મહામારીને લઈને પ્રથમ દિવસથી જ કામગીરી શરૂ કરી દીધી હતી. ચેમ્બરના માનદમંત્રી આશિષ જોષીની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે જરૂરતમંદો માટે અત્યાર સુધી 10 હજાર રાશનકીટનું વિતરણ કરાયું છે અને  તે હજુ જારી છે. આ ઉપરાંત ખરીદ કિંમત ઉપર જ માસ્ક તેમજ સેનેટાઈઝર ઉપલબ્ધ કરાવાયાં હતાં. હવે સરકારે જ કાર્ડધારકોને રાશન વિતરણ શરૂ કરાતાં તેમાં રાહત થઈ છે. મહાબંદર દીનદયાળ પોર્ટ ખાતે બંદરીય સેવાને આવશ્યક જાહેર કરાતાં લોકડાઉન અને પોર્ટ બંને ચાલુ રાખવાનો વિરોધાભાસ ઉભો થયો હતો. ચેમ્બરે શિપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયા ને પત્ર તથા ટવીટ થી આ અંગે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ચેમ્બરે વખતોવખત જિલ્લા કલેકટર, પ્રાત અધિકારી, મામલતદાર સાથે બેઠકો યોજીને વાહનો તથા માણસોની અવરજવરનો પ્રશ્ન ઉકેલ્યો હતો. બંદર ખાતે ઉદભવતા ડેમરેજ-પેનલ્ટી જેવા પ્રશ્નો માટે ચેમ્બરે ડીપીટી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, બંદર પ્રશાસનનું સતત ધ્યાન દોર્યું હતું. તાજેતરમાં જ ચેમ્બર પ્રમુખ અનિલકુમાર જૈન તથા ઉપપ્રમુખ તેજાભાઈ કાનગડે આ અધિકારીઓને મળીને સવારે 11 થી પાંચ સુધી લોલકડાઉન જાળવવા થયેલા મુખ્યમંત્રીના આદેશ અંતર્ગત કેવી રીતે કામ કરવું તેની ચર્ચા કરી હતી. બંદર પ્રશાસને શીફટના સમયમાં બદલાવ કરીને લોકો-વાહનો માટે પાસની સુચારૂ વ્યવસ્થા કરવા તથા ડેમરેજ, પેનલ્ટી અંગે યોગ્ય પરિપત્ર જાહેર કરવા બાંહેધરી આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer