કચ્છમાં ઉનાળો તપે છે; : ભુજ 40.5 ડિગ્રી

કચ્છમાં ઉનાળો તપે છે; : ભુજ 40.5 ડિગ્રી
ભુજ, તા. 3 : કોરોનાના ફફડાટ વચ્ચે કચ્છમાં ચૈત્રના મધ્યાહ્ને કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો દોર શરૂ થયો હોય તેમ શુક્રવારે જ ભુજમાં મહત્તમ પારો ઊંચકાઇને 40.5 ડિગ્રીના આંકે પહોંચતાં રાજ્યમાં સર્વાધિક તાપની અનુભૂતિ ભુજમાં થઇ હતી. 41 ડિગ્રીની સમીપે પહોંચેલા મહત્તમ પારા સાથે ભુજ રાજ્યનું સર્વાધિક ગરમ મથક બન્યું હતું. ચાલુ ઉનાળાની સિઝનમાં  ભુજમાં  પ્રથમવાર પારો 40 ડિગ્રીને પાર થતાં લોકો ખાસ કરીને બપોરના સમયે આભમાંથી વરસેલી લૂના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. રાજ્યમાં ભુજ ઉપરાંત કંડલા પોર્ટમાં પણ પારો 40.1 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. રાજકાટ-અમરેલીમાં પણ 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. કંડલા (અ)માં 39.6 અને નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભેજના  નહિવત્ પ્રમાણના લીધે અંગ દઝાડતો તાપ અનુભવાયો હતો. લોકડાઉનના લીધે લોકોની ચહલ-પહલ આમેય નહિવત્ જોવા મળી રહી છે. તેવામાં ગરમીની તીવ્રતાથી સંચારબંધી જેવો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યના હવામાન વિભાગે મહત્તમ પારો હજુ ઊંચકાય તેવી આગાહી કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer