કચ્છમાં લોકડાઉન બાદ દૂધ ઉત્પાદનમાં ભારે ઉછાળો

કચ્છમાં લોકડાઉન બાદ દૂધ ઉત્પાદનમાં ભારે ઉછાળો
બાબુ માતંગ દ્વારા-
નિરોણા (તા. નખત્રાણા), તા. 3 : વૈશ્વિક મહામારી કોરોના કહેર વચ્ચે લોકડાઉનની પરિસ્થિતિ સર્જાયા પછી જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓની તંગી સર્જવાની ભીતિ સેવાઈ રહી છે, પરંતુ લોકોની મુખ્ય જરૂરિયાત એવા દૂધ પુરવઠાની પરિસ્થિતિ કંઈક જુદી છે. છેલ્લા એક સપ્તાહ દરમ્યાન જિલ્લામાં દૂધ ઉત્પાદનમાં ભારે વધારો થતાં અહીંની મુખ્ય સરહદ ડેરી સ્તબ્ધ બની છે. ડેરીમાં દૂધ એકત્ર કરવા રોકાયેલાં 20 દૂધ ટેન્કર ઓછાં પડતાં ગુજરાત અમૂલ ફેડરેશન પાસે વધુ ટેન્કરોની માંગ કરાઈ છે.  ગુજરાત રાજ્ય અમૂલ ફેડરેશન હેઠળ રાજ્યમાં 22?સહકારી સંઘો દૂધ ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા છે. જે પૈકી કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની સરહદ ડેરી દ્વારા કચ્છમાંથી દૂધનું એકત્રીકરણ કરવામાં આવે છે. માલધારીના ગણાતા સરહદી મુલકના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હોવાથી અહીં અન્ય જિલ્લાઓની તુલનાએ દૂધનું ઉત્પાદન વધુ જોવા મળે છે. વિસ્તારની દૃષ્ટિએ ખૂબ વિશાળ આ જિલ્લામાં સરહદ ડેરી સાથે ગ્રામીણ ક્ષેત્રે 6પ0 દૂધ ઉત્પાદન કરતી સહકારી મંડળીઓ કાર્યરત છે. જેની સાથે કુલ 60 હજારથી પણ વધુ પશુપાલકો સંકળાયેલા છે. કચ્છ જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી સંઘની સરહદ ડેરીના જિલ્લામાં ઠેકઠેકાણે 18 જેટલા શીતકેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં લોરિયા, ભીરંડિયારા, ખાવડા, ચાંદ્રાણી, લાખોંદ, અમરાપર, રાપર, વાઘોઠ, નખત્રાણા, દયાપર, કોઠારા, બિદડા, પત્રી, ભેરૈયા વગેરેનો સમાવેશ થાય છે. અંતરિયાળ અને દૂરના વિસ્તારોની દૂધ મંડળીઓ પરથી ડેરીના વાહનો દ્વારા એકત્ર દૂધ આ શીતકેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે. જ્યાંથી સરહદ ડેરીના કાર્યરત 20 જેટલાં દૂધ ટેન્કર દ્વારા 2 લાખ લિટર દૂધ સરહદ ડેરીના લાખોંદ સ્થિત મિલ્ક પ્રોડેક્ટ સેન્ટર ઉપર પહોંચાડવામાં આવે છે. જ્યારે અન્ય દોઢેક લાખ જેટલું દૂધ ગાંધીનગર સ્થિત અમૂલ ડેરીમાં પહોંચાડવામાં આવે છે. સરહદ ડેરી દ્વારા કચ્છમાંથી દૈનિક સામાન્ય રીતે 3થી સાડા ત્રણ લાખ લિટર સરેરાશ દૂધનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર સમગ્ર વિશ્વ સાથે સરહદી જિલ્લા સુધી પહોંચ્યા પછી જિલ્લામાં દૂધના ઉત્પાદનમાં અચાનક એક લાખ લિટરનો આશ્ચર્યજનક વધારો થતાં સરહદ ડેરી અચંબિત બની છે. કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન, અમૂલ ફેડરેશનના ડાયરેકટર અને કચ્છ કુરિયનના હુલામણા નામથીજાણીતા વલમજીભાઈ હુંબલે અચાનક દૂધના ઉત્પાદનમાં થયેલા ઉછાળા અંગે ચોખવટ કરતાં `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, સરહદ ડેરી સાથે સંકળાયેલી દૂધ મંડળીઓના નિર્ધારિત થયેલા સભાસદ પશુપાલકો જ દૂધ જમા કરાવે છે. વળી આ ઉપરાંતના કેટલાક પશુપાલકો એવા છે જે પોતાના નાના-મોટા વાહનો દ્વારા ફેરી કરી ગામડા કે શહેરોમાં છૂટક કે જથ્થાબંધ રીતે વેચાણ કરે છે. કચ્છમાં લોકડાઉન લાગુ થયા પછી વાહન વ્યવહાર સદંતર ઠપ થઈ જતાં ફેરિયાનાં વાહનોનાં પૈડાં થંભી ગયાં, તેમના દૂધનું વેચાણ બંધ થયું અને આ વધારાનું દૂધ સરહદ ડેરીમાં ગ્રામીણ મંડળીઓ દ્વારા જમા થતાં અચાનક એક લાખ લિટરનો જંગી વધારો છેલ્લા એક સપ્તાહમાં થયો છે.સામાન્ય રીતે શીતકેન્દ્રો પરથી લાખોંદ સેન્ટર અને ગાંધીનગર અમૂલ ડેરી સુધી કચ્છનું દૂધ વહન કરવા માટે સરહદ ડેરીના કુલ 20 જેટલાં દૂધવાહક ટેન્કર કાર્યરત છે, પરંતુ દૂધના અચાનક થયેલા વધારાને લઈને ટેન્કરો ટૂંકા પડતાં અમૂલ ફેડરેશન પાસે વધારાનો ટેન્કરોની માંગ કરાઈ હોવાનું હુંબલે જણાવ્યું હતું. જિલ્લામાં ઊભી થયેલી પરિસ્થિતિને લઈ અમુક સ્થળોએ દૂધ ડેરીઓ પર દૂધ સ્વીકારાતું નથી તેવા પ્રગટ થયેલા અહેવાલનું ખંડન કરતાં વલમજી હુંબલે જણાવ્યું હતું કે, સરહદ ડેરી સાથે સંકળાયેલા તમામ સભાસદોનું દૂધ લેવાય જ છે. આ ઉપરાંતના પશુપાલકો પણ કાયમી ધોરણે ડેરી સાથે સંકળાઈ દૂધ જમા કરાવવા માગતા હોય તેઓનું દૂધ પણ અવશ્ય સ્વીકારવામાં આવશે, બીજી બાજુ લોકડાઉનના પગલે કચ્છથી ગાંધીનગરના માર્ગે વાહનોની સઘન ચેકિંગને લઈ કચ્છથી નીકળેલા ટેન્કરો અમૂલ ડેરી સુધી પહોંચતાં વધુ સમય લાગે છે. વળી ત્યાં પણ નિયમાનુસાર કર્મચારીઓને લઈ ટેન્કરોમાંથી દૂધ ખાલી કરવા ઘણો સમય બરબાદ થાય છે. જેને લીધે દૂધ બગડી જવાની શક્યતા વધુ હોઈ ગ્રામ્ય ક્ષેત્રે વધારાના દૂધનો જથ્થો લેવો પણ જોખમી હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ કચ્છમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે મુખ્ય ગણાતા વિસ્તાર બન્ની, પચ્છમ અને પાવરપટ્ટીમાં કુલ 39 જેટલી દૂધ મંડળીઓ દ્વારા સામાન્ય રીતે દૈનિક પ8000 લિટર દૂધ એકત્ર થતું જે હાલ વધીને 73000 લિટર થતાં આ પંથકમાં 1પ000 લિટર દૂધનો વધારો થયો હોવાનું ભીરંડિયારા શીતકેન્દ્રના ફકીરમામદ રાયશીએ જણાવ્યું હતું.  
 
સભાસદોને 16 કરોડનું બોનસ ચાલુ માસમાં જ ચૂકવાશે
નિરોણા (પાવરપટ્ટી) તા. 3 : સરહદી જિલ્લામાં સરહદ ડેરી સાથે સંકળાયેલી 650 મંડળીઓના 60 હજાર જેટલા પશુપાલક સભાસદોને દૈનિક 2 કરોડ લેખે માસિક 60 કરોડ દૂધ ચૂકવણાનાં નાણાં નિયમિત રીતે બેંક ખાતાઓમાં જમા કરવામાં આવે છે. દર વર્ષે સરહદ ડેરી આ સભાસદોને દૂધના વાર્ષિક જથ્થા મુજબ બોનસનું ચૂકવણું મે-જૂન માસ દરમ્યાન કરવામાં આવે છે. હાલ કોરોના પછી લોકડાઉને સર્જેલા સંજોગોને લઈ સરહદ ડેરી સાથે સંકળાયેલા સભાસદોને આર્થિક રીતે મદદરૂપ થઈ શકાય તે હેતુસર ચાલુ એપ્રિલ માસમાં જ રૂા. 16 કરોડનું ચૂકવણું કરી દેવામાં આવશે તેવું વલમજીભાઈએ જણાવ્યું હતું. પાવરપટ્ટીના લોરિયા શીતકેન્દ્ર સાથે સંકળાયેલા માલધારી અગ્રણી વિરમ રામજીભાઈ આહીરે સરહદ ડેરીના ચેરમેન કચ્છી કુરિયનની અહીંના પશુપાલકો પ્રત્યેની લાગણીને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
 
સરહદ ડેરી પાસે અમૂલ  દાણનો પૂરતો જથ્થો છે
નિરોણા (પાવરપટ્ટી) તા. 3 : લોકડાઉનને પગલે જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ ઊંચકાયા છે, તો પશુઓના ખોરાક ખાણ અને ભૂંસાના ભાવમાં પણ ભારે વધારો થતાં માલધારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે વલમજીભાઈએ જણાવ્યું હતું કે, ગમે તેવા કપરા સમયમાં સરહદ ડેરી માલધારી માટે સદા ચિંતિત છે. સરહદ ડેરી પાસે અમૂલ દાણનો પૂરતો જથ્થો મોજુદ છે. હાલ સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે પણ અમૂલ દાણમાં કોઈ પણ જાતનો ભાવ વધારો કર્યા?વગર દરેક સહકારી મંડળીઓ પર 930 રૂા.ની વે.કિ.વાળી પ0 કિલોવાળી બેગનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો છે. જે મંડળીના સભાસદો ગમે ત્યારે ખરીદી શકે છે. 
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer