લોકડાઉન માટે હવે ઘોડેસવારોનું પેટ્રોલિંગ

લોકડાઉન માટે હવે ઘોડેસવારોનું પેટ્રોલિંગ
ભુજ, તા. 3 : કોરોના વાયરસ સામેની લડાઇ અંતર્ગત જાહેર કરાયેલા લોકડાઉનની કડક અમલવારી માટે પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા દ્વારા એકબાજુ નિયમ તોડનારા સામેની કાર્યવાહી વધુ તેજ બનાવાઇ છે અને આ માટે ઘોડેસવાર પોલીસ જવાનોનું પેટ્રોલીંગ પણ શરૂ કરાયું છે. સાથોસાથ લોકજાગૃતિ અને સેવાકીય કાર્યો પણ જારી રખાયા છે. સમગ્ર જિલ્લામાં લોકડાઉનનો ચુસ્તીથી અમલ થાય તે માટે ભીડભાડવાળા અને વ્યુહાત્મક રીતે મહત્વના સ્થળે કાયદાના રક્ષકો પહેરો લગાવી ફરજ બજાવી રહ્યા છે. તો ભુજ અને નખત્રાણા સહિતના વિવિધ વિસ્તારોમાં ડ્રોન વડે પણ સ્થિતિ ઉપર નજર રખાઇ રહી છે અને લોકડાઉન ભંગ કરનારાઓને પકડી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરાઇ રહી છે. આ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે હવે ઘોડેસવાર પોલીસ જવાનોનું પેટ્રોલીંગ આરંભાયું છે. આ ઘોડેસવારો જયાં વાહન પહોંચી શકતા નથી તેવા વિસ્તારોને આવરી લેવા સહિતની કાર્યવાહી હાથ ધરશે. લોકડાઉન પરિસ્થિતિમાં નિયમનો ભંગ કરીને ઘરથી બહાર નીકળનારા સહિતના જવાબદારો સામે આ પોલીસ જિલ્લામાં આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં કલમ 188 મુજબના જુદાજુદા 14 ગુના વિવિધ પોલીસ મથકમાં દાખલ કરાયા હતા. તો ચેકપોસ્ટો અને હાઇવે પેટ્રોલીંગ પણ જાળવી રખાયું હતું.આ સ્થિતિમાં ફરજની સાથોસાથ પોલીસદળ દ્વારા સેવાકીય કાર્યો પણ જાળવી રાખીને સામાજીક ઉતરાદાયિત્વ અવિરત રાખ્યું છે. અમારા નખત્રાણા બ્યુરોના અહેવાલ મુજબ જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયાએ આજે નખત્રાણાની જાતમુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરતા આ વિશે તાબાના સ્ટાફ સાથે પરામર્શ કર્યો હતો. તેમણે સ્ટાફના ખબરઅંતર પૂછયા હતા. તો નિવૃત કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી હતી. જરૂર પડયે નિવૃત સ્ટાફને સેવામાં સામેલ કરવાની પણ તેમણે તૈયારી બતાવી હતી. નાયબ પોલીસ અધીક્ષક વી.એન.યાદવ, ઇન્સ્પેકટર જયદીપાસિંહ રાઠોડ, ફોજદાર અંકુશ ગેહલોત વગેરે તેમની સાથે રહયા હતા.દરમ્યાન ડ્રોન દ્વારા મોજણી બાદ નખત્રાણા પોલીસે ચાર શખ્સને પકડી તેમની સામે ગુનો નોંધયો હતો. દરમ્યાન પાવરપટ્ટી વિસ્તારના નિરોણા પોલીસ મથક દ્વારા કંપનીના સહયોગથી 150 શ્રમજીવીઓની તબીબી તપાસ કરાઇ હતી. તો ભુજ ખાતે એક સગર્ભા મહિલાને દૂધ અને છાશની જરૂરિયાત ઉભી થતા એ. ડિવિઝનના ફોજદાર ટી.એ. પટેલે જાતે જઇને આ સામગ્રી પહોંચાડી હતી. જયારે અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી.ગોહિલ દ્વારા મુંદરા તાલુકામાં મોખા ટોલનાકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની તબીબી તપાસ કરાવાઇ હતી. તો ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલને રતીયાથી રાશન લેવા પગપાળા ભુજ આવી રહેલા વરિષ્ઠ નાગરિકો સહિતના જરૂરતમંદો દેખાતા તેમણે તેમના ખબરઅંતર પૂછી બાદમાં તેમના ગામે જવાની વ્યવસ્થા સરકારી વાહન મારફતે કરી હતી. અબડાસાના વાયોર ગામના એક વરિષ્ઠ નાગરિકને કર્કરોગની દવાની જરૂરત હોતા વાયોર પોલીસે તેમને પહોંચતી કરી હતી.  આ વચ્ચે એસ.પી. શ્રી તોલંબિયાએ બંદોબસ્તના વિવિધ પોઇન્ટ, સેલ્ટર હોમ અને વરિષ્ઠ નાગરિકો અને નિવૃત પોલીસ અધિકારીઓની પણ મુલાકાત લીધી હતી. તો અબડાસાના હાજાપર ગામે જરૂરતમંદ પરિવારો પાસે પહોંચી જઇ સબ ઇન્સ્પેકટર શ્રી જાડેજા તેમને ઉપયોગી બન્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer